politics
ગોધરામાં સ્વતંત્રતા સપ્તાહ નિમિત્તે ભવ્ય તિરંગા રેલી:મંત્રીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા
ગોધરા શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સન્માન આપવા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ તિરંગા રેલી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને રામસાગર તળાવ સુધી યોજાઈ હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતેથી રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી ગોધરા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ચર્ચ સર્કલ, એલઆઈસી ચોક, વિશ્વકર્મા ચોક, પોલીસ ચોકી નંબર-1, પોલીસ ચોકી નંબર-2, પટેલવાડા, સોનીવાડ અને હોળી ચકડામાંથી પસાર થઈ હતી. અંતે, રેલીનું રામસાગર તળાવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ, પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા અને ગોધરા રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી સહિતના અનેક રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પોલીસ જવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો અને તિરંગા સાથે લોકોમાં પ્રબળ રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી.
Read full article on Divya Bhaskar