top
ગોધરાના સાંઈ મોટર્સ શો રૂમમાંથી ચોરાયેલી બાઈકનો આરોપી ઝડપાયો:પંચમહાલ-ગોધરા LCBએ ચોરીનો ભેદ ઉકેલી બાઈક પણ શોધી કાઢી
ગોધરાના દાહોદ રોડ પર આવેલા સાંઈ મોટર્સ શો રૂમમાંથી મોટરસાયકલ ચોરીનો ભેદ પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચનાથી LCB ઇન્સ્પેક્ટર એ.બી. વોરાની ટીમે મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન LCBના કર્મચારીઓને બાતમી મળી હતી. બાતમી મુજબ, 31 જુલાઈ 2026ના રોજ સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા સાંઈ મોટર્સના હોન્ડા મોટરસાયકલ શો રૂમમાંથી ચોરાયેલી બાઈકનો આરોપી ગોધરા ભૂરાવાવ ચોકડી નજીક ઊભો છે. આ ચોક્કસ બાતમીના આધારે પો.સ.ઈ. એચ.આર. જેતાવત અને LCB સ્ટાફે ભૂરાવાવ ચોકડી ખાતે ખાનગી વોચ ગોઠવી. બાતમી મુજબનો શખ્સ મળતા પોલીસે તેને પકડી લીધો. પૂછપરછમાં તેનું નામ તરૂણભાઈ મનોજભાઈ ચૌહાણ, રહે. ધામરડા, તા.જી. દાહોદ હોવાનું સામે આવ્યું. પોલીસની ઊંડી પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, 31 જુલાઈના રોજ તે સાંઈ મોટર્સ શો રૂમમાં ગયો હતો. ત્યાં તેણે સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી સર્વિસ માટે આવેલી કાળા રંગની હોન્ડા SP-125 મોટરસાયકલની ચોરી કરી હતી. તે બાઈકને ધામરડા ગામે પોતાના ઘરે લઈ ગયો હતો. આરોપીએ બાઈકની નંબર પ્લેટ કાઢી નાખી તેનો ઉપયોગ કર્યો હતો. જોકે, શો રૂમના CCTV કેમેરામાં પોતાનો ફોટો આવી ગયો હોવાનું અને પોલીસ તેની શોધખોળ કરી રહી હોવાનું તેને જાણવા મળ્યું. આથી, તેણે 11 ઓગસ્ટ 2026ના રોજ સાંજે ચોરી કરેલી બાઈક ગોધરા બસ સ્ટેન્ડ નજીક મૂકી દીધી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની કબૂલાતના આધારે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
Read full article on Divya Bhaskar