top
Gujarat વિધાનસભામાં શિક્ષણ સુધારા વિધેયક રજૂ: બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજો
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા દ્વારા 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક' ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સુધારા લાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી સરકાર દ્વારા આ વિસ્તૃત ફેરફારો સાથેનું બિલ લાવવામાં આવ્યું છે. આ વિધેયક મારફતે ખાસ કરીને શિક્ષણ બોર્ડની મંજૂરી મેળવ્યા વિના મનસ્વી રીતે ચાલતી ખાનગી શાળાઓ સામે કાયદાકીય સકંજો કસવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. 15 લાખ સુધીનો દંડ અને 2 વર્ષની જેલની કડક જોગવાઈ નવા શિક્ષણ સુધારા વિધેયકમાં ગેરરીતિ આચરતી અને બોર્ડના નિયમોનું અનાદર કરતી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં રૂપે દંડની રકમમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળા સંચાલકો સામે રૂપિયા 15 લાખ સુધીનો ભારે દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ પણ શાળા સંચાલક હવેથી પૂર્વ નોટિસ આપ્યા વગર અચાનક શાળાઓ બંધ કરી શકશે નહીં, જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગાડતા અટકાવી શકાય. નોન-ટિચિંગ સ્ટાફની ભરતી હવે રાજ્ય સરકાર કરશે આ વિધેયકની અન્ય એક મહત્વપૂર્ણ જોગવાઈ અનુસાર શાળાઓમાં નોન-ટિચિંગ સ્ટાફ (ગેર-શૈક્ષણિક કર્મચારીઓ)ની ભરતી પ્રક્રિયા હવેથી રાજ્ય સરકાર દ્વારા પોતે હાથ ધરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા આવશે અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી થશે. આ વિસ્તૃત વિધેયક પસાર થવાથી રાજ્યના શિક્ષણ માળખામાં મોટા અને સકારાત્મક ફેરફારો જોવા મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh