ગુજરાત યુનિ. કૌભાંડ વિવાદ: પૂર્વ VC નીરજા ગુપ્તા સામે HC ના નિવૃત્ત જજની કમિટી તપાસ કરશે
Gujarat University controvers: ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કથિત કૌભાંડના વિવાદે હવે નવો વળાંક લીધો છે. આ મામલે ઇન્ચાર્જ કુલપતિ ડો. જગદીશ જોશીએ એક મોટો નિર્ણય લેતાં હાઈકોર્ટના નિવૃત્ત જજ ડી.એન. વ્યાસની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિ ખાસ કરીને PMJVK (પ્રધાનમંત્રી જન વિકાસ યોજના) ફંડમાં થયેલી ગેરરીતિઓની ઝીણવટભરી તપાસ કરશે.
પત્રકારો સાથે વાત કરતા ઇન્ચાર્જ કુલપતિ ડો. જોશીએ જણાવ્યું હતું કે, આ તપાસ સમિતિ નાણાકીય અનિયમિતતાઓ અને સત્તાના દુરુપયોગના આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, નીરજા ગુપ્તાએ હજુ સુધી યુનિવર્સિટીને આ આક્ષેપો અંગે કોઈ જ લેખિત ખુલાસો આપ્યો નથી. તેમના પર પોતાના મળતિયાઓને ફાયદો પહોંચાડવાના આરોપો સૌથી વધુ છે. તપાસ સમિતિ આવતા અઠવાડિયાથી પોતાનું કામ શરૂ કરશે અને તેમના રિપોર્ટના આધારે જ આગળની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
NSUI નો આક્રોશ: રજિસ્ટ્રારને ઘેરાવ અને બંધનું એલાન
બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI પણ મેદાનમાં ઉતરી ગયું છે. NSUI ના કાર્યકર્તાઓએ આજે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમનો સીધો આરોપ છે કે 72 કલાકનું અલ્ટીમેટમ આપવા છતાં યુનિવર્સિટી સત્તાધીશો પૂર્વ કુલપતિને છાવરી રહ્યા છે અને કોઈ કાર્યવાહી કરી નથી.
જ્યારે રજિસ્ટ્રાર તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો, ત્યારે ઉશ્કેરાયેલા કાર્યકર્તાઓએ તેમને લાફો મારી દેવાની અને કેસ કરવાની ચીમકી પણ આપી દીધી હતી. NSUI એ સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું છે કે જો નીરજા ગુપ્તા વિરુદ્ધ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે, તો આવતા સોમવારે ગુજરાત યુનિવર્સિટી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અત્રે નોંધનીય છે કે, અગાઉ જ્યારે કૌભાંડના આક્ષેપો થયા હતા, ત્યારે નીરજા ગુપ્તાએ આ તપાસ કમિટીને જ 'બોગસ' ગણાવી હતી અને એવો દાવો કર્યો હતો કે કમિટીમાં તેમના વિરોધીઓ ગોઠવાયેલા છે. હવે જોવું એ રહ્યું કે નિવૃત્ત જજની તપાસમાં શું નવાં તથ્યો બહાર આવે છે અને યુનિવર્સિટીનું રાજકારણ કઈ દિશામાં જાય છે.