politics
ગુજરાતના સાંસદ અને પ્રિયંકા ગાંધી વચ્ચે ચકમક જરી:સંસદ પરિસરમાં મુકેશ દલાલની બાજુમાં આવીને પ્રિયંકા શું બોલ્યા?
ચોમાસુ સત્રના અંતિમ અઠવાડિયામાં પણ સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ યથાવત છે. ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા કથિત પોલીસ અત્યાચારના વિરોધમાં મંગળવારે NDAના સાંસદો પણ પ્લેકાર્ડ સાથે વિરોધમાં ઉતર્યા.શાસક પક્ષે આ મામલે રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કર્યો. આ સમયે જ પ્રિયંકા ગાંધી અને સુરતના સાંસદ મુકેશ દલાલ સામસામે આવી જતા બંને વચ્ચે ચકમક જરી. બંને નેતાઓ કોમેન્ટ કરી આગળ વધ્યા. ‘પ્રિયંકા ગાંધી કંઈક કહેતા હતા, પણ મને સ્પષ્ટ સંભળાયું નહીં’ સંસદ પરિસરમાં થયેલી પ્રિયંકા ગાંધી સાથેની વાતચીત અંગે સુરતના સાંસદ મુકેશ દલાલે કહ્યું કે,'અમે જ્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે પ્રિયંકા ગાંધી ત્યાંથી પસાર થયા. તેમણે કંઈક કહ્યું, પરંતુ મને સ્પષ્ટ સંભળાયું નહીં.કદાચ તેઓ એવું કહેવા માગતા હતા કે રાહુલ ગાંધી આ મુદ્દે બોલી રહ્યા છે અને કામ કરી રહ્યા છે'. ત્યારે મેં તેમને કહ્યું કે રાહુલ ગાંધી આ મુદ્દે કામ કરી રહ્યા હોય તો તેઓ ઝારખંડ કેમ નથી જઈ રહ્યા?” 'ઝારખંડમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો તો રાહુલ ગાંધી કેમ જતા નથી?' સાંસદે વધુમાં કહ્યું કે,ભાજપ અને NDAના સાંસદો બે મુદ્દાને લઈને વિરોધ કરી રહ્યા હતા.એક તરફ ઝારખંડમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અત્યાચારનો મુદ્દો છે, જ્યારે બીજી તરફ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોવા છતાં વિપક્ષ ગૃહની કાર્યવાહી ચલાવવા દેતો નથી. ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ગઈકાલે પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હોવાનો મુદ્દો છે. અમારો સવાલ છે કે, રાહુલ ગાંધી આ મુદ્દે ઝારખંડ કેમ નથી જઈ રહ્યા અને કેમ કંઈ બોલતા નથી ?” મેં પહેલીવાર સત્તાપક્ષના સાંસદોને વિરોધ કરતા જોયા- પ્રિયંકા ગાંધી બીજી તરફ, NDA સાંસદોના વિરોધ અંગે પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે,'મેં પહેલીવાર સરકારના સાંસદોને વિરોધ પ્રદર્શન કરતા જોયા છે. આટલા તો અમે તેમને મજબૂર કરી જ દીધા છે. હવે તેઓ ગૃહમાં આવે અને સવાલોના જવાબ આપે.” સુરત બેઠક પર 2024માં મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે મુકેશ દલાલને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે નિલેશ કુંભાણીને મેદાને ઉતાર્યા હતા. પરંતુ, કુંભાણીનું ફોર્મ રદ થતા અને બસપા સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા હતા. સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટરથી લઈ સાંસદ સુધી પહોંચ્યા છે.
Read full article on Divya Bhaskar