politics
હિંમતનગરમાં કોંગ્રેસના નવા કાર્યાલયનો પ્રારંભ:પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસના નવા કાર્યાલયનો મંગળવારે સત્યનારાયણની કથા સાથે શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલય હિંમતનગરના મોતીપુરા સર્કલ બસ સ્ટેન્ડ સામે આવેલા આવિષ્કાર કોમ્પ્લેક્ષના એ બ્લોકમાં આવેલું છે. સત્યનારાયણ ભગવાનની કથા બાદ પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રીના હસ્તે રિબિન કાપીને નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યાલયના શુભારંભ પ્રસંગે મંચસ્થ મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. પ્રદેશ પ્રમુખે 2027ની વિધાનસભા ચૂંટણીમાં સાબરકાંઠાની ચાર બેઠકો જીતવા માટે એક થઈને કામ કરવા હાકલ કરી હતી. તેમણે ગામ, તાલુકા અને જિલ્લામાં યુવાનોને કોંગ્રેસમાં જોડવા માટે બૂથ લેવલની કામગીરી પર ભાર મૂક્યો હતો. જિલ્લા કાર્યાલય માટે નવી જગ્યા આપનાર પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ અને કનુભાઈ ભાટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આગમન પહેલાં જ સોશિયલ મીડિયા પર વિરોધના સૂર તેજ બન્યા હતા. કોંગ્રેસના કાર્યક્રમનો બહિષ્કાર કરતા ગ્રાફિક્સ અને પોસ્ટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આના કારણે કોંગ્રેસના સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. આ વિવાદમાં મુસ્લિમ કોંગ્રેસી નેતાઓએ સોશિયલ મીડિયા પર વિરોધ કરવા સિવાય મૌન ધારણ કર્યું હતું. ધાર્મિક શબ્દના ઉપયોગ સાથે કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો ઉઠતા, અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસ દરેક ધર્મ અને સમાજનો પક્ષ છે. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી, જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, જિલ્લા પ્રભારી દિનેશભાઈ ગઢવી, રેખાબેન સોલંકી, કમળાબેન પરમાર, માઈનોરિટી ચેરમેન ટી.વી. પટેલ, કુમાર ભાટ, રણછોડ પરમાર, મુકેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં તાલુકા-શહેર અને ફ્રન્ટલ સેલના પ્રમુખો તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar