top
હોટ ફિક્સ મશીનો મુદ્દે નોટિસો આપતા ટીમ સામે સીતાનગરમાં વિરોધ:'કચરો ઘરમાં રાખીએ કે રોડ પર', સ્થાનિકોએ અધિકારીઓ પર સવાલોનો મારો ચલાવ્યો
સુરતના વરાછા અને પુણા વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને ખાસ કરીને હોટ ફિક્સના મશીનોને કારણે સ્થાનિક રહીશો લાંબા સમયથી ત્રસ્ત બન્યા છે. આ મુદ્દે તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરતના મેયર માયાબેન માવાણીના નિવાસસ્થાન બહાર હોટ ફિક્સનો કચરો ઠાલવીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ બાદ એક્શનમાં આવેલી મહાનગરપાલિકાની ટીમે હોટ ફિક્સના યુનિટો સામે નોટિસ આપવાની કડક કાર્યવાહી શરૂ કરી છે. ટીમ નોટિસ ફટકારવા પહોંચી તો હોબાળો મનપાની ટીમ જ્યારે પુણા વિસ્તારમાં સીતાનગર સોસાયટીમાં નોટિસ ફટકારવા પહોંચી ત્યારે સ્થાનિકો અને કારખાનેદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક અગ્રણી બાબુભાઈ કોટડીયાએ મનપાના કર્મચારીઓને આડે હાથ લેતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પુણા વિસ્તારમાં લગભગ 70 ટકા પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેના કારણે રોજેરોજ મોટા પાયે કચરો એકત્ર થાય છે. 'નિયમિત કચરા કલેક્શનની વ્યવસ્થા કરો, પછી નોટિસ આપો' બાબુભાઈએ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી પહેલા મનપા દ્વારા કચરો ઉઠાવવા નિયમિત ગાડીઓ મોકલવામાં આવતી હતી, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ આ સેવા બંધ કરી દેવામાં આવી છે. જો તંત્ર કચરાની ગાડી મોકલે નહીં, તો લોકો કચરો પોતાના ઘરમાં રાખવાના નથી અને પરિણામે લોકો કાપડમાં પોટલાં બાંધીને રોડ પર નાખી જાય છે. આ કચરાના ઢગલાના કારણે અડધો રસ્તો બ્લોક થઈ જાય છે અને અવરજવરમાં મુશ્કેલી પડે છે. સ્થાનિકોએ માગ કરી છે કે, પહેલાં નિયમિત કચરા કલેક્શનની વ્યવસ્થા કરો, પછી જ નોટિસ આપવા આવો. નિયમોનું ઉલ્લંઘન કરતા યુનિટો સામે કાર્યવાહી તેજ બીજી તરફ, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોમાં પણ કોર્પોરેટરો દ્વારા રહેણાંક વિસ્તારોમાંથી હોટ ફિક્સના મશીનો બંધ કરાવવા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. હાલ મનપા દ્વારા આ મામલે કડક વલણ અપનાવીને નિયમોનું ઉલ્લંઘન કરતા યુનિટો સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે, જેને કારણે તંત્ર અને સ્થાનિક કારખાનેદારો વચ્ચે ઘર્ષણ વધ્યું છે.
Read full article on Divya Bhaskar