top
ભાવનગર ITIમાં 'STEM' લેબ અને પીડીલાઇટ કોર્સ શરૂ:આજે મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ઉદ્ઘાટન, 208 યુવાનોનું મારુતિ સુઝુકીમાં પ્લેસમેન્ટ; ઈસરો સહિતમાં રોજગારીની તકો
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન આજરોજ 14 ઓગસ્ટ શહેર-જિલ્લાની જુદી જુદી ITIની મુલાકાત લીધી હતી. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), ભાવનગર ખાતે આજરોજ ટેકનોલોજી અને રોજગારીના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે અત્યાધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેસન, કાર્પેન્ટર અને પ્લમ્બરની નવીનતમ લેબનું ઉદ્ઘાટન કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર આઈટીઆઈ ખાતે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય વિકસાવી શકાય તે માટે સંસ્થામાં એક સુંદર 'STEM' લેબનું માનનીય મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાલીમાર્થીઓની કૌશલ્યવર્ધન તાલીમ માટે પીડીલાઇટ સંસ્થાના સહયોગથી મેસન, કાર્પેન્ટર અને પ્લમ્બર એમ ત્રણ મહત્વના વ્યવસાયો માટેની નવીનતમ લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 208 તાલીમાર્થીઓને મારુતિ સુઝુકી કંપનીમાં નોકરી મળી રાજ્યમાં પ્રથમ વખત કોઈ એક જ સંસ્થામાંથી વિશાળ સંખ્યામાં એટલે કે 208 તાલીમાર્થીઓને મારુતિ સુઝુકી કંપની બહુચરાજી પ્લાન્ટ ખાતે પ્લેસમેન્ટ ઓફર પ્રાપ્ત થઈ છે. આ વિદ્યાર્થીઓને આકર્ષક માસિક વેતન (નેગોશિયેશન બાદ વધારો) શરૂઆતમાં તાલીમાર્થીઓ માટે રૂ.25,300નો માસિક પગાર નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ITI સ્ટાફ અને સંસ્થાના પ્રતિનિધિઓની સઘન નેગોશિયેશન ચર્ચાને અંતે તે વધારીને રૂ.28,300ના આકર્ષક માસિક પગાર સાથે નિમણૂક આપવામાં આવી છે. ચાર સ્પેશિયલ બસોથી ટ્રાન્સપોર્ટેશનની નિશુલ્ક વ્યવસ્થા આ તાલીમાર્થીઓ આગામી 24મી ઓગસ્ટે પોતાના વતનથી સીધા પ્લાન્ટ ખાતે જોડાવાના છે, ત્યારે તેમના સુવિધાજનક પ્રવાસ માટે સંસ્થા ખાતેથી જ મારુતિ સુઝુકી કંપનીના સહયોગથી ચાર સ્પેશિયલ બસોથી ટ્રાન્સપોર્ટેશનની નિશુલ્ક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ ભવ્ય આયોજનથી ભાવનગર ITIના યુવા તાલીમાર્થીઓમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું સાબિત થયું છે.
Read full article on Divya Bhaskar