crime
જામનગર નજીક ચાલુ ટ્રકની કેબિનમાં આગ લાગી:ડ્રાઈવર સુરક્ષિત, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
જામનગર નજીક રામપર ગામના પાટિયા પાસે એક ચાલુ ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે ડ્રાઈવરે સમયસર ટ્રકમાંથી નીચે ઉતરી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના ઇમરાનભાઈની માલિકીના ટ્રકમાં ડ્રાઇવર અલતાફભાઈ માલસામાન ભરીને જઈ રહ્યા હતા. રામપર ગામના પાટિયા પાસે પહોંચતા જ ટ્રકની કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઇવર અલતાફભાઈએ તુરંત ટ્રકમાંથી નીચે ઉતરીને ટ્રકના માલિક ઇમરાનભાઈને જાણ કરી હતી. ઇમરાનભાઈએ તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ શાખાને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટુકડી પાણીના ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી ટ્રકની કેબિનમાં લાગેલી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. આગ ટ્રકની બોડી અને તેમાં ભરેલા માલસામાન સુધી પ્રસરે તે પહેલાં જ તેને નિયંત્રિત કરી લેવાતા મોટી નુકસાની ટળી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar