crime
જામતારા ગેંગનો વહીવટ સંભાળતો સાગરીત ઝડપાયો:RTO ચલણના નામે ફોન હેક કરી 5.02 લાખ પડાવ્યા, ઝારખંડના 26 વર્ષીય વેલ્ડીંગ દુકાનદારની સાબરમતી જેલમાંથી ધરપકડ
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે બોગસ ડીજીટલ RTO ઇ-ચલણ APK ફાઇલ બનાવી દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી ઝારખંડની કુખ્યાત 'જામતારા ગેંગ' સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગેંગના નાણાકીય વ્યવહારો સંભાળતા અને નાસતા ફરતા મુખ્ય સાગરીત સીતારામ નકુલ મંડળ (ઉં.વ. 26, રહે. બિસનપુર, ગીરીડીહ, ઝારખંડ)ની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે અટકાયત કરી છે. મૂળ વેલ્ડીંગની દુકાન ધરાવતો આ આરોપી સાયબર ફ્રોડના રૂપિયા પોતાના એક્સિસ બેંક ખાતામાં મેળવી, 5 થી 10 ટકા કમિશન કાપીને બાકીના નાણાં જામતારાના મુખ્ય સાયબર માફિયાઓને રોકડા પહોંચાડવાનું મોટું નેટવર્ક ચલાવતો હતો. વોટ્સએપ ગ્રૂપમાં RTO E-Challan APK ફાઇલ મોકલી ફોન હેક કર્યો તા. 20/11/2025ના રોજ ફરિયાદીના પુત્રના મિત્રના વોટ્સએપ પર એક અજાણ્યા નંબરેથી બનાવટી RTO ઇ-ચલણ APK ફાઇલ આવી હતી. આ ફાઇલથી ફોન હેક કરી તે જ ગ્રૂપમાં લિંક ફોરવર્ડ કરાઈ હતી. ફરિયાદીના પુત્રએ આ APK ફાઇલ ડાઉનલોડ કરતા જ તેનો મોબાઇલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ તેની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે કુલ રૂ. 5,02,562 ઓનલાઇન ટ્રાન્સફર કરી લેવાયા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનતા જ પીડિતે તાત્કાલિક 1930 હેલ્પલાઇન અને બાદમાં સાયબર ક્રાઇમ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી. 5થી 10 ટકા કમિશન રાખી જામતારાના આકાઓને રોકડા પહોંચાડતો સુરત સાયબર સેલની તપાસમાં બહાર આવ્યું કે, ફરિયાદીના પુત્રના ખાતામાંથી 1.47 લાખનું ક્રેડિટ બિલ પેમેન્ટ કરાવાયું હતું. અગાઉ પકડાયેલા આરોપી નિશીત નથવાણીએ આ રકમમાંથી 15%થી 20% કમિશન મેળવી બાકીના પૈસા CDM મશીન મારફતે આરોપી સીતારામ મંડળના ખાતામાં જમા કરાવ્યા હતા. સીતારામ પોતાના કમિશન કાપી બાકીના નાણાં જામતારાના આરોપીઓને આપતો હતો. સીતારામના બેંક ખાતામાંથી સપ્ટેમ્બર-2025થી જાન્યુઆરી-2026 સુધીમાં 15.87 લાખથી વધુના શંકાસ્પદ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. ઝારખંડ અને અમદાવાદમાં સાયબર ફ્રોડના છથી વધુ ગુના નોંધાયા ધરપકડ કરાયેલ આરોપી સીતારામ મંડળ રીઢો સાયબર ગુનેગાર છે. તેની સામે ઝારખંડના ગીરીડીહ (બેંગાબાદ પો.સ્ટે.) ઉપરાંત અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ 5 જેટલા સાયબર ફ્રોડના ગુના નોંધાયેલા છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી તેનો કબ્જો મેળવી નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. સાયબર ક્રાઇમ સેલે અત્યાર સુધી કુલ 6 આરોપીઓને સકંજામાં લીધા આંતરરાજ્ય સાયબર ક્રાઇમ સિન્ડિકેટનો પર્દાફાશ કરતા સાયબર સેલે નાગરિકોને અજાણી APK ફાઇલ્સ ડાઉનલોડ ન કરવા અપીલ કરી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સીતારામ મંડળ સહિત એકંદર 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી જામતારા ગેંગના અન્ય ફરાર સાગરીતો અને દેશભરમાં આચરેલા સાયબર ફ્રોડના અન્ય મોટા રહસ્યો ખુલે તેવી પૂરી શક્યતા છે.
Read full article on Divya Bhaskar