crime
જન્મ દિવસે જ યુવકનું ચાકુના ઘા મારી ઘાતકી હત્યા:અગાઉની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા, પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દંતેશ્વર વુડાના મકાનો પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મેહુલ ભરતસિંહ દરબાર નામના યુવકની ચાકુના આડેધડ ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. અત્યંત દુઃખદ અને કરુણ બાબત એ છે કે આજે જ મૃતક મેહુલનો જન્મદિવસ હતો. જે દિવસે ઘરમાં ખુશી અને ઉત્સવનો માહોલ હોવો જોઈતો હતો, તે જ દિવસે યુવકની હત્યા થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવી આચર્યો ગુનો ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આ ક્રૂર હત્યા પાછળ જૂની અંગત અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક મેહુલને ત્રણ દિવસ પૂર્વે વિજય, પદમ અને અન્ય કેટલાક સ્થાનિક યુવકો સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. આ બાબતનું સમાધાન લાવવાના બહાને આરોપીઓએ મેહુલને દંતેશ્વર વુડાના મકાન પાસે બોલાવ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ, મેહુલ ત્યાં પહોંચતાં જ આરોપીઓએ તેની સાથે ફરીથી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. ચપ્પુના આડેધડ ઘા ઝીંકી આરોપીઓ ફરાર વાતચીત દરમિયાન જ ઉશ્કેરાયેલા આરોપીઓએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે મેહુલ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં મેહુલ જમીન પર ઢળી પડતાં જ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઘવાયેલા મેહુલને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપવા ચક્ર ગતિમાન કર્યા આ કરુણ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો છે. તરસાલી ખાતે રહેતા મૃતકના કાકા બાલસિંગ દરબારે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસે હોસ્પિટલ તેમજ ગુનાના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar