politics
'જયંત પંડ્યાના હિન્દુ હોવા પર શંકા':'શાસ્ત્રોમાં દશામાના વ્રતનો ઉલ્લેખ નથી, લેભાગુઓ 200 કરોડનો વેપાર કરશે', વ્રતને લઈ સંતો અને વિજ્ઞાન જાથા સામસામે મેદાને પડ્યા
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે ગુજરાતમાં દશામાના વ્રતને લઈને ભારતીય જન વિજ્ઞાન જાથાના વિવાદાસ્પદ દાવાને પગલે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું છે. વિજ્ઞાન જાથાએ દશામાના વ્રતને અંધશ્રદ્ધા કહી અને ₹200 કરોડના વ્યાપારીકરણનો આરોપ લગાવતાં હિન્દુ ધાર્મિક સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. જાથાના ચેરમેન જયંત પંડ્યાના નિવેદન સામે રાજકોટના સંત જ્યોતિરનાથ બાવા અને જૂનાગઢના ખાખી બાપુ સહિતના સંતોએ આકરા પ્રહારો કરી કરોડો ભક્તોની આસ્થા સાથે ચેડાં ન કરવાની કડક ચેતવણી આપી છે. “વ્રતનું વ્યાપારીકરણ અને પરિવારો પર આર્થિક બોજ” વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ધાર્મિક શાસ્ત્રોમાં દશામાના વ્રતનો કોઈ પાયાનો ઉલ્લેખ નથી અને હાલ આ વ્રત શ્રદ્ધા કરતાં વધુ આંધળા અનુકરણ તથા કરોડો રૂપિયાના વ્યવસાયનું માધ્યમ બની ગયું છે. વ્રતના નામે દેખાદેખીમાં લોકો મોંઘી મૂર્તિ ખરીદે છે, જમણવાર કરે છે, ભભકા કરે છે અને એક પરિવાર ખર્ચમાં સરી પડે છે. છેલ્લા 24 વર્ષથી તેમની સંસ્થા અંધશ્રદ્ધા વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર થતા પ્રચાર વચ્ચે આ વર્ષે વ્રતના નામે વેપારીઓ અને લેભાગુ તત્વો અંદાજે ₹200 કરોડથી વધુનો કારોબાર કરશે એવો પ્રાથમિક અંદાજ છે. ચમત્કારો, ભુઈમા અને પર્દાફાશના આંકડા વિજ્ઞાન જાથાના જણાવ્યા મુજબ, માતાજીના પ્રાગટ્ય, કંકુ-પગલાં પડવા, શાકભાજી કે વસ્તુઓમાં મુખારવિંદ દેખાવું કે મૂર્તિ દ્વારા દૂધ પીવા જેવા દાવાઓ સંપૂર્ણપણે ઉપજાવી કાઢેલા અને અંધશ્રદ્ધા ફેલાવનારા હોય છે. જાથાએ ચેતવણી આપી છે કે ધૂણવાના નામે ભોળા શ્રદ્ધાળુઓના ખિસ્સા ખાલી કરાવતી લેભાગુ ભુઈમાઓ અને ભુવાઓથી લોકોએ સાવચેત રહેવું જોઈએ. લોકોની આસ્થા સાથે ખીલવાડ કરવાનું બંધ કરો: સંત જ્યોતિરનાથ બાવા જોકે, વિજ્ઞાન જાથાના આ આકરા વલણ બાદ દશામાના ભક્તો અને ધાર્મિક સમુદાયમાં નારાજગીની લાગણી જોવા મળી રહી છે. રાજકોટનાં સંત જ્યોતિરનાથ બાવાએ જણાવ્યું હતું કે, જયંત પંડ્યાએ આમ તો નિવૃત્તિ જાહેર કરી છે છતાં અવારનવાર કોઈને કોઈ વિવાદિત નિવેદનો કરતા રહે છે. દશામાં હોય, નવરાત્રી હોય કે શિવ ભગવાન હોય આ બધામાં તેને અંધશ્રદ્ધા જ દેખાય છે. હું આ વાતને વખોડું છું. કથા, વાર્તા યજ્ઞ કે હવન કરવા માટે પણ આપણે હવે જયંતભાઈને પૂછવું પડશે કે અમે કરીએ કે નહીં. દરેક જગ્યાએ વિરોધ કરવો જોઈએ નહીં. દરેકની પોતાની આસ્થા હોય છે. તમે ક્યાં કુળમાં જન્મ્યા છો એ ઘણી વખત પ્રશ્ન થાય છે. જયંત પંડ્યાના હિન્દૂ હોવા પર પણ મને શંકા છે: ખાખી બાપુ જૂનાગઢના ખાખી બાપુએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં દરેક દેવી-દેવતાઓની ઉપાસના અને સાધના કરવામાં આવે છે. દરેકને પોતાના દેવી-દેવતાની સાધના કરવાનો હક્ક છે. માતાઓ-બહેનો દશામાંનાં વ્રત કરે છે ત્યારે દશામાં વિશે વિજ્ઞાન જાથાએ ટીકા-ટિપ્પણી કરી છે. વારંવાર લોકોની આસ્થા ઉપર હિંદુ દેવી-દેવતાઓ પર ટીકા ટિપ્પણી કરી વિવાદ ઉભા કરે છે.
Read full article on Divya Bhaskar