top
કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:ટંકારામાં બોલેરોમાંથી 1,248 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપીની ધરપકડ
મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાના નગરનાકા નજીક પોલીસે બોલેરો કેમ્પર ગાડીમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. ગાડીમાં શીટ નીચે, ઠાઠામાં તેમજ ટોપના ભાગે બનાવેલા ચોરખાનામાં છુપાવવામાં આવેલી દારૂની 1,248 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.6.33 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોલેરો કેમ્પર રોકી તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો બાતમીના આધારે પોલીસે ગાડી નંબર GJ-3-BV-9752ને રોકી તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ગાડીમાં શીટ નીચે, ઠાઠામાં તેમજ ટોપ ઉપરના ભાગે ખાસ રીતે બનાવવામાં આવેલા ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની પ્લાસ્ટિકની કુલ 1,248 બોટલો મળી આવી હતી. કાર સહિત રૂ.6.33 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.3,27,840 આંકી છે. આ ઉપરાંત રૂ.3 લાખની બોલેરો કેમ્પર ગાડી અને રૂ.5,500ની કિંમતના બે મોબાઇલ ફોન મળી પોલીસે કુલ રૂ.6,33,340નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બે આરોપીની ધરપકડ, ત્રીજાની શોધખોળ આ કેસમાં પોલીસે બનાસકાંઠા જિલ્લાના રામપુરા છોટાના રહેવાસી 30 વર્ષીય દશરથ હરકનભાઇ રબારી અને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાનીવાડા તાલુકાના જારડા ગામના 45 વર્ષીય બાબુરામ જવાનાજી ભાડકાની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન રાજસ્થાનના પાલ કુડા ગામના મહેન્દ્રભાઇ બાબુરામ રબારીનું નામ સામે આવ્યું છે. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર ત્રીજા આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read full article on Divya Bhaskar