કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
Kinjal Rabari news: ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામમાં ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે. અમદાવાદના સીબીડી (CBD) મોલ પાસેથી કિંજલ રબારી ગુમ થઈને પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી પાસે પહોંચી હોવાના અહેવાલો વચ્ચે સિનાડ ગામમાં બે સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર ગામમાં ભારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને હાલ અજંપાભરી શાંતિ વચ્ચે ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સિનાડ ગામમાં આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચેલા શ્રદ્ધાળુઓને અન્ય સમાજના એક ટોળાએ રોક્યા હતા. દર્શન કરવા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીએ થોડી જ વારમાં હિંસક ઘર્ષણનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કિંજલ રબારીના વિવાદને પગલે ગામમાં અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરના પ્રાંગણમાં એકઠા થયેલા ટોળાને બંદોબસ્તમાં રહેલા પોલીસ અધિકારીએ વિખેરાઈ જવા માટે સૂચના આપી હતી, જેનાથી ઉશ્કેરાઈને કેટલાક લોકોએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો.
આ હુમલા દરમિયાન ટોળાએ લોખંડની ખુરશી વડે રાધનપુરના પીએસઆઈ (PSI) એચ. વી. ચૌધરી પર જીવલેણ હુમલો કર્યો હતો. મામલો થાળે પાડવા વચ્ચે પડેલા આ પોલીસકર્મીના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત PSI એચ. વી. ચૌધરીએ સારવાર લીધા બાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં 2 લોકોના નામજોગ અને અન્ય અજાણ્યા ટોળા સામે રાયોટિંગ તથા ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ શાંતિ જાળવવા ઘટનાસ્થળે હાજર છે.
આ સમગ્ર વિવાદના મૂળમાં કિંજલ રબારીનો ગુમ થવાનો અને લગ્નજીવનનો વિવાદ રહેલો છે. થોડા સમય પહેલાં ચાંદખેડાના સીબીડી મોલ પાસેથી કિંજલ ગુમ થઈ હોવાની જાણકારી તેના હાલના સાસરિયાઓએ પોલીસને આપી હતી. સીસીટીવી (CCTV) ફૂટેજમાં તે કાળા કલરની કારમાં બેસીને જતી જોવા મળી હતી. તે સમયે તેના પતિ મુકેશને કોઈએ પકડી રાખ્યો હોવાની શક્યતા છે. કિંજલનું અપહરણ થયું છે કે તે કોઈના દબાણવશ ગઈ છે, તે અંગે ચાંદખેડા પોલીસે મહેસાણા અને પાટણ ખાતે 2 અલગ-અલગ ટીમો મોકલી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
અત્રે ઉલ્લેખનીય છે કે, 2 મે 2024ના રોજ કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સમાજના ભારે વિરોધ અને દબાણના કારણે તેને છૂટાછેડા લેવા પડ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન 15 જૂન 2026ના રોજ કોર્ટની મુદ્દત વખતે અશોક ચૌધરી પર હુમલો પણ થયો હતો. ત્યારબાદ કિંજલે ગોતરકા ગામના યુવાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે આ સમગ્ર મામલો ફરીથી ઉછળતાં ગામમાં તંગદિલી વ્યાપી ગઈ છે.