top
કોન્ટ્રાક્ટરની નિર્લિપ્ત રાયને રજૂઆત બાદ પોલીસકર્મી સહિત 4 સામે ફરિયાદ:50 લાખ સામે 1 કરોડ ચૂકવ્યા છતા 2 કરોડની ઉઘરાણી, પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં SITની રચના
જામનગરમાં પોલીસ બેડામાં ચકચાર મચાવનારો મામલો સામે આવ્યો છે. સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજખોરી અને બળજબરીથી ખંડણી વસૂલવાના આરોપસર અગાઉ જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ સુરેન્દ્રનગર બદલી કરાયેલા પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય સમક્ષ રજૂ થયેલી ફરિયાદની ગંભીરતાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં SITની રચના કરી તપાસ સોંપવામાં આવી છે. આ SITમાં સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા અને રાજકોટના પોલીસ અધિકારીઓ સામેલ કરાયા છે. રૂ.50 લાખના વ્યવહારમાં રૂ.1.05 કરોડ ચૂકવ્યાનો દાવો ફરિયાદી 32 વર્ષીય પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ રાણાના જણાવ્યા મુજબ, વર્ષ 2024માં રેતીની લીઝ માટે તેમણે અજયસિંહ ઝાલા પાસેથી આંગડિયા મારફતે રૂ.35 લાખ લીધા હતા. આ રકમ પેટે રૂ.36.05 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જૂન 2025માં ફરી નાણાકીય જરૂરિયાત ઊભી થતાં અજયસિંહે દર મહિને 20 ટકા વ્યાજના દરે વધુ રૂ.15 લાખ આપ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ફરિયાદીનો દાવો છે કે રૂ.50 લાખની સામે રોકડ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને આંગડિયા મારફતે અત્યાર સુધીમાં કુલ રૂ.1,05,02,000 ચૂકવી દેવામાં આવ્યા છે. ધમકી આપી રૂ.2 કરોડના લખાણ કરાવ્યાનો આક્ષેપ ફરિયાદ મુજબ, 27 ફેબ્રુઆરી 2026ના રોજ અજયસિંહ ઝાલા સહિત ચારેય આરોપીઓએ વડોદરા ખાતે ફરિયાદીને ધમકી આપી કોર્ટમાં લઈ ગયા હતા. ત્યાં રૂ.2 કરોડ હાથઉછીના લીધા હોવાના ત્રણ અલગ-અલગ નોટરાઇઝ્ડ લખાણ કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ લખાણોના આધારે કુલ રૂ.2 કરોડના ચેક મેળવી બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા. ચેક બાઉન્સ થયા બાદ કાયદેસરની નોટિસો મોકલી ફરિયાદી પર વધુ દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવા ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રકમ ચૂકવવામાં નહીં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત સગા-સંબંધીઓને ફોન કરીને પણ દબાણ કરવામાં આવતું હતું. સમગ્ર મામલે ફરિયાદી પાસે વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ અને આંગડિયાની પહોંચ સહિતના પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આરોપીઓના ઘરે તપાસ, નિવેદનો લેવાની કામગીરી મામલાની તપાસ માટે SIT દ્વારા પોલીસકર્મી અજયસિંહ ઝાલા ઉપરાંત અજયસિંહ જયેન્દ્રસિંહ વાઘેર, યુવરાજસિંહ લાલુભા ઝાલા અને દિવ્યરાજસિંહ ગંભીરાસિંહ વાઘેરના ઘર સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારોમાં પણ આરોપીઓની શોધખોળ તેમજ સંબંધિત લોકોના નિવેદનો લેવાની કામગીરી ચાલી રહી છે. BNS અને નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ તપાસ સમગ્ર મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ BNS તેમજ નાણાં ધીરધાર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ SIT દ્વારા નાણાકીય વ્યવહારો, ચેક, લખાણો, ડિજિટલ પુરાવા અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતા આ કેસમાં વધુ કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા છે.
Read full article on Divya Bhaskar