top
કોર્ટ કેસનો ખાર રાખી કડીમાં યુવક પર જીવલેણ હુમલો:કારની ટક્કરથી પગનું હાડકું તૂટ્યું, માથાના ભાગે 5 ટાંકા આવ્યા
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના તબોળીવાસ વિસ્તારમાં બહુચર માતાના મંદિર પાસે રહેતા 26 વર્ષીય ખેડૂત અને પશુપાલક મહેબુબભાઈ અહેમદભાઈ ઘાંચી પર જૂની કૌટુંબિક અને મકાન બાબતની અદાવતમાં પ્રાણઘાતક હુમલો થવાની ઘટના સામે આવી છે. ગત 16 ઓગસ્ટ 2026ના રોજ સવારે આશરે 11 વાગ્યે મહેબુબભાઈ પોતાના બુલેટ બાઈક પર જાસલપુર રોડ સ્થિત ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે આ અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પૂર્વઆયોજિત કાવતરું રચી તેમની બાઈકને કારથી ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે કડી પોલીસે આરોપીઓ સામે જાનથી મારી નાખવાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મહેબુબભાઈએ બાઈક ઊભું ન રાખતાં સિરાજ નાગોરીએ ધમકી આપી ઘટનાની વિગત મુજબ, મહેબુબભાઈ બાઈક લઈને નીકળ્યા ત્યારે જાસલપુર ચોકડી પાસે ઉભેલા સાહિલ સિરાજભાઈ નાગોરીએ તેમને જોઈને કોઈને ફોન કર્યો હતો. થોડે દૂર પહોંચતાં જ પાછળથી બસીરભાઈ ઉસ્માનભાઈ નાગોરી અને સિરાજભાઈ ઉસ્માનભાઈ નાગોરી સ્વિફ્ટ કાર લઈને આવી પહોંચ્યા હતા અને કાચ ખોલી રોકાવા ઈશારો કર્યો હતો. જૂની તકરાર હોવાથી મહેબુબભાઈએ બાઈક ઊભું ન રાખતાં સિરાજ નાગોરીએ ધમકી આપી હતી. ત્યારબાદ સર્વિસ સ્ટેશન સામે રોડ પર કારચાલકે જાનથી મારી નાખવાના ઈરાદે બુલેટને પુરપાટ ઝડપે જોરદાર ટક્કર મારી હતી અને આરોપીઓ જાસલપુર શેડ તરફ ફરાર થઈ ગયા હતા. મહેબુબભાઈને માથાના ભાગે, કમર તથા પગે ગંભીર ઈજા આ અકસ્માતમાં મહેબુબભાઈ રોડ પર ફેંકાઈ જતાં તેમને માથાના ભાગે, કમરે તથા બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથામાંથી રક્તસ્રાવ થતાં બેભાન થયેલા મહેબુબભાઈને સ્થાનિકો અને પરિવારજનોએ તાત્કાલિક ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને જમણા પગના સાથળનું હાડકું તૂટી જતાં તેઓને આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કડી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હોસ્પિટલમાંથી મળેલી વર્ધીના આધારે કડી પોલીસે ઈજાગ્રસ્ત મહેબુબભાઈનું નિવેદન નોંધ્યું હતું. ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે સાહિલ સિરાજભાઈ નાગોરી, સિરાજભાઈ ઉસ્માનભાઈ નાગોરી (બંને રહે. એલ.એચ.પાર્ક સોસાયટી, કડી) અને બસીરભાઈ ઉસ્માનભાઈ નાગોરી (રહે. ખ્વાજા પાર્ક સોસાયટી, કડી) સામે કડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar