top
Kutch News: સોશિયલ મીડિયા યુઝર સાવધાન! હવે આવી રીતે થાય છે ઠગાઈ, બે ભાઈ ઝડપાયા
કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતેથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ નામે આઇડી અને ગ્રુપ બનાવી લોકોને સસ્તું સોનું તેમજ 1 લાખ રૂપિયાના સામે 5 લાખ રૂપિયા આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી ઠગ ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ 'ભારતીય મનોરંજન' લખેલી નકલી નોટોના બંડલ અને સોના જેવા દેખાતા બિસ્કિટના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. સરપટ નાકા બહારથી બે સગા ભાઈઓને LCBએ દબોચી લીધા પશ્ચિમ કચ્છ LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભુજના સરપટ નાકા બહાર આવેલા શેખ ફળિયામાં રહેતા અજરૂદીન કાસમશા શેખ અને અલીશા કાસમશા શેખ નામના બે સગા ભાઈઓ સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે મોટી છેતરપિંડી કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને બંને આરોપી ભાઈઓને સ્થળ પરથી જ દબોચી લીધા હતા અને તેમની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. 5.31 લાખથી વધુનો મુદ્દામાલ અને નકલી નોટોના બંડલ જપ્ત પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં અસલી નોટો ઉપર-નીચે રાખીને તૈયાર કરાયેલા 'ભારતીય મનોરંજન' લખેલા ચલણી નોટોના 534 બંડલ, સોના જેવી ધાતુના 14 બિસ્કિટ, 2 નંગ મોબાઇલ ફોન, નોટ ગણવાનું મશીન અને એક i10 કાર સહિત કુલ રૂ. 5,31,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓ બોગસ નોટો અને નકલી સોનું બતાવીને લોકો પાસેથી રોકડ રકમ પડાવી લેતા હતા. અગાઉ પણ છેતરપિંડીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે આરોપીઓ ઝડપાયેલા બંને ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેમની સામે છેતરપિંડી અને ઠગાઈના અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે. આરોપી અજરૂદીન શેખ સામે ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, જ્યારે તેના ભાઈ અલીશા શેખ સામે ભુજ બી-ડિવિઝન, માનકુવા અને કોડાય પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસે રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી, નાગરિકોને કરી ખાસ અપીલ ઘટના બાદ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓના અદાલતમાંથી રિમાન્ડ મેળવીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ સાથે જ પશ્ચિમ કચ્છ LCB એ સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર મળતી સસ્તું સોનું આપવાની કે રૂપિયા ડબલ/પાંચ ગણા કરવાની આવી લોભામણી અને ગેરકાયદે લાલચોથી દૂર રહેવું અને કોઈ પણ ઠગ ભગતની વાતોમાં આવીને પોતાના મહેનતના નાણાં ન ગુમાવવા. આ પણ વાંચો - Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું...
Read full article on Sandesh