crime
ગોધરાના LC-4 અંડરપાસનો એક માર્ગ ખુલ્યો:ચાર વર્ષ બાદ ટુ-વ્હીલર માટે રસ્તો શરૂ; દિવાળીમાં બજારના ટ્રાફિકમાં રાહત
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મધ્યમાં આવેલા LC-4 રેલવે અંડરપાસનો એક તરફનો માર્ગ ચાર વર્ષ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. હાલ આ માર્ગ પર માત્ર ટુ-વ્હીલર જ જઈ શકે છે. APMCના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ માર્ગ શરૂ કરાવ્યો હતો. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના પ્રમુખ, પાલિકાના સભ્યો અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. દિવાળીના તહેવારોમાં માર્ગ શરૂ થતાં શહેરના મુખ્ય બજાર અને મધ્ય વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી છે. ખરીદી માટે બજારમાં આવતા લોકોની અવરજવર પણ સરળ બની છે. અંડરપાસનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું હતું. માર્ગ બંધ રહેતાં આસપાસના વેપારીઓના ધંધા પર અસર પડી હતી. ગ્રાહકોની અવરજવર ઘટતાં તેમને આર્થિક નુકસાન થયું હતું. હવે માર્ગ શરૂ થતાં બજારમાં ફરી લોકોની અવરજવર વધી છે. હાલ અંડરપાસનો એક તરફનો માર્ગ જ ટુ-વ્હીલર માટે ખુલ્લો છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ બાકીનું કામ ઝડપથી પૂરું કરી ફોર-વ્હીલર સહિતનાં અન્ય વાહનો માટે પણ અંડરપાસ શરૂ કરવાની માંગ કરી છે. બાકીનું કામ ઝડપથી પૂરું થાય તો ગોધરાની ટ્રાફિક સમસ્યામાંથી નાગરિકોને રાહત મળી શકે છે.
Read full article on Divya Bhaskar