Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
અમદાવાદ શહેર બાદ હવે સાણંદ વિસ્તારમાં પણ દીપડાની દહેશત જોવા મળી રહી છે. સાણંદના મોટી દેવતી ગામની સીમમાં દીપડો દેખાયો હોવાના દાવા બાદ વન વિભાગે તપાસ હાથ ધરી હતી અને સ્થળ પરથી મળેલા ફૂટપ્રિન્ટના આધારે દીપડાની હાજરીની પુષ્ટિ કરી છે. દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાણંદના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હરેશ દેસાઈએ પણ દીપડો દેખાયો હોવાની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત સાણંદ તાલુકાના સોયલા ગામના શક્તિપુરા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા છે. કડી-વિરમગામ રોડ તરફ પગલાંના નિશાન મળ્યાના સ્થાનિકોના દાવા બાદ વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. ઈંટોના ભઠ્ઠા પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને પગદંડી પરથી ફૂટપ્રિન્ટના સેમ્પલ લેવામાં આવ્યા છે. વન વિભાગે નર અને માદા બંને દીપડા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. એક મહિના અગાઉ અમદાવાદના ઘુમા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હતો, જોકે લાંબી શોધખોળ છતાં તેનો પત્તો લાગ્યો નહોતો.