top
લીલાસર્કલ પાસે યુવક પર હિચકારો હુમલો:વાહન જોઈને ચલાવવાનું કહેતાં 8 શખ્સોએ ઢસડીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર શહેરના લીલાસર્કલ નજીક વાહન વ્યવસ્થિત ચલાવવાની સામાન્ય ટકોર કરવા જેવી નજીવી બાબતમાં એક નિર્દોષ યુવક પર આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોતાની દુકાને બાઇક લઈને જઈ રહેલા યુવકે સામેથી આવતા ઇલેક્ટ્રિક બાઇકસવારોને ગાડી જોઈને ચલાવવાનું કહેતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ફોન કરીને પોતાના અન્ય સાગરીતોને બોલાવી લીધા હતા. આ ટોળકીએ યુવકને રસ્તા પર ઢસડીને બેફામ ઢીકાપાટુ તેમજ પાટે પાટે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. વાહન જોઈને ચલાવવાનું કહેતાં બાઇકની ચાવી આંચકી લીધી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર શહેરના પંચવટી ચોક નજીક આવેલા 50 વારીયા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય દિલીપસિંહ મહેન્દ્રસિંહ ગોહીલ ગત 24 તારીખે સાંજના આશરે 6 વાગ્યાના અરસામાં પોતાની મોટરસાયકલ લઈને દુકાને જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે લીલાસર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી ઇલેક્ટ્રિક બાઇક લઈને આવી રહેલા 2 શખ્સોને તેમણે યોગ્ય રીતે ગાડી ચલાવવા માટે ટકોર કરી હતી. આ બાબતથી ઉશ્કેરાઈ ગયેલા બંને શખ્સોએ એકદમ ઉગ્ર બનીને દિલીપસિંહની બાઇકની ચાવી કાઢી લીધી હતી અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અન્ય સાગરીતોને બોલાવી રસ્તા પર ઢસડીને માર માર્યો બોલાચાલી દરમિયાન આ બંને શખ્સોએ પોતાના મોબાઈલ ફોન પરથી સંપર્ક કરીને ઘટનાસ્થળે અન્ય સાથીદારોને બોલાવી લીધા હતા. થોડી જ વારમાં વધુ 6 જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને તમામ 8 શખ્સોએ એકસંપ થઈને એકલા પડેલા દિલીપસિંહ પર તૂટી પડ્યા હતા. આ અસામાજિક તત્વોએ યુવકને રોડ પર ઢસડીને તેમજ એકીસાથે પાટે પાટે અને ઢીકાપાટુનો બેફામ માર મારી ગંભીર શારીરિક ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં તમામ હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. નિલમબાગ પોલીસે ગુનો દાખલ કર્યો આ હિંસક હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા દિલીપસિંહ ગોહીલે તાત્કાલિક નિલમબાગ પોલીસ મથકે પહોંચીને સમગ્ર ઘટના વર્ણવી અજાણ્યા 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નિલમબાગ પોલીસે આ મામલે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે લીલાસર્કલ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવી તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar