top
લિંબાયતમાં ભાઈએ ભાઈની હત્યા કરી:પત્ની સાથે આડાસંબંધની શંકામાં ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો, આરોપીની ધરપકડ
સુરતના લિંબાયત વિસ્તારમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક સગા ભાઈએ જ પોતાના ભાઈની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દીધી છે. લિંબાયતના આંબેડકરનગરમાં રહેતા 30 વર્ષીય અનિલ યુવરાજ સોનવણેને પોતાની પત્ની સાથે નાના ભાઈ સુનીલના અનૈતિક સંબંધ હોવાની આશંકા હતી. આ વહેમ અને અદાવતમાં અનિલે લોખંડની સીડી પાસે ઉગ્ર તકરાર બાદ ચપ્પુ વડે હુમલો કરી 28 વર્ષીય સુનીલ સોનવણેની નિર્મમ હત્યા નીપજાવી હતી. ઝઘડો કરી માથા અને પડખામાં ચપ્પુના ઘા ઝીંક્યા ઘટનાની વિગત મુજબ, 15 ઓગસ્ટની રાત્રે આશરે સાડા દસ વાગ્યાની આસપાસ ઘર નંબર 558ની લોખંડની સીડી પાસે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન ઉશ્કેરાયેલા અનિલે ચપ્પુ કાઢી સુનીલના માથાના ભાગે ઝીંકી દીધું હતું. ઈજાગ્રસ્ત સુનીલ જીવ બચાવવા ભાગ્યો હતો, પરંતુ અનિલે પીછો કરી ઘર નંબર 513 પાસે તેને પકડી ડાબી બાજુ પડખામાં ચપ્પુનો જીવલેણ ઘા મારી દીધો હતો, જેના કારણે સુનીલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા ભાઈને દબોચ્યો આ બનાવ અંગે પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં 16 ઓગસ્ટના રોજ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ચાવડા અને તેમની ટીમે હ્યુમન રિસોર્સ અને બાતમીદારોની મદદથી વર્ક આઉટ શરૂ કર્યું હતું. પોલીસે સઘન શોધખોળ હાથ ધરી આંબેડકરનગર પાણીની ટાંકી પાસેથી આરોપી અનિલ સોનવણેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આરોપી રીઢો ગુનેગાર, અગાઉ પણ કેસ નોંધાયેલા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી અનિલ યુવરાજ સોનવણે રીઢો ગુનેગાર છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. લિંબાયત પોલીસ મથકમાં તેની સામે અગાઉ પણ મારામારી, ધમકી અને હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar