top
માંડવીના મોટા લાયજામાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા:તીનપત્તીની રમતમાં રૂ. 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
માંડવી તાલુકાના મોટા લાયજા વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. પોલીસે તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂ. 3,25,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસ ટીમ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી. બાતમી મુજબ, મોટા લાયજા ગામમાં મહાવીર નગર સામે આવેલા મેઘવીજય બંગલાના ઉપરના માળે એક રૂમમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન રૂમમાંથી તીનપત્તીના પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાત શખ્સો પકડાયા હતા. દરોડામાં સ્થળ પરથી રૂ. 1.50 લાખ રોકડા, છ મોબાઇલ ફોન, એક ફોરવ્હીલ કાર અને ગંજીપાનાના પત્તા મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 3,25,500 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં મનસુખ ઇશ્વરલાલ રાજગોર, સુરેશ નાનજી મોતા, ઉલાશગર શંભુગર ગુસાઈ, જયેસ વિઠ્ઠલદાસ મોતા, પ્રકાશ મહેશભાઈ ઠક્કર, મહેન્દ્ર પ્રેમજી મોતા અને રમેશ કરશનદાસ મોતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. LCBના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સંયુક્ત રીતે આ દરોડાની કામગીરી કરી હતી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે થયેલી આ કાર્યવાહીથી માંડવી પંથકમાં આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ભય ફેલાયો છે.
Read full article on Divya Bhaskar