top
માસૂમ બાળકીના મોત પછી પણ સુરત ફૂડ વિભાગ ના સુધર્યું:પુણા પાટિયાની ગીતા રેસ્ટોરન્ટમાં અખાદ્ય પદાર્થોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, અધિકારીઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું
સુરતના પુણા પાટિયા વિસ્તારમાં આવેલી જાણીતી 'ગીતા રેસ્ટોરન્ટ' અખાદ્ય સામગ્રી અને ગંદકીના કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. રેસ્ટોરન્ટમાં પરિવાર સાથે જમવા ગયેલા ગ્રાહકોએ રસોડામાં જઈ તપાસ કરતા ખરાબ, કાળું પડી ગયેલું તેલ અને સડેલા બટેકાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ દ્રશ્યો જોઈ રોષે ભરાયેલા પરિવારે ઘટનાસ્થળે જ હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. શું પાલિકાની કાર્યવાહી માત્ર બે દિવસ પૂરતી જ સીમિત? થોડા સમય અગાઉ સુરતમાં હોટલનું ભોજન લીધા બાદ એક માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું, જેના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર બનાવ બાદ સુરત મહાનગરપાલિકાનું ફૂડ અને આરોગ્ય વિભાગ સક્રિય બન્યું હતું અને અનેક હોટલો, રેસ્ટોરન્ટો તેમજ ધાબાઓ પર દરોડા પાડી નોટિસો ફટકારી હતી. જોકે, પુના પાટિયાની આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું પાલિકાની આ કાર્યવાહી માત્ર બે દિવસના દેખાડા પૂરતી જ સીમિત હતી? જાગૃત નાગરિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જ્યારે કોઈ ગ્રાહક વીડિયો વાયરલ કરે કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થાય, ત્યાર બાદ જ પાલિકાનું તંત્ર હરકતમાં આવે છે. સ્વયંભૂ રીતે નિયમિત ચકાસણી કે કડક પગલાં કેમ લેવામાં આવતા નથી? અધિકારીને ફોન કરતા તેમણે રિસીવ કર્યો ન હતો આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે સ્પષ્ટતા મેળવવા અને રેસ્ટોરન્ટ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના આરોગ્ય અધિકારી ડૉ. મહેન્દ્ર પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓના આવા ઉદાસીન વલણને કારણે લોકોના આરોગ્યની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકો હવે આવી બેદરકાર રેસ્ટોરન્ટ સામે દાખલારૂપ પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
Read full article on Divya Bhaskar