top
મેટલ ફોર્જ કંપનીમાં થયેલી ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો:કંપનીની દીવાલ કૂદી 1.57 લાખની લોખંડની પાઇપો ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મેટલ ફોર્જ ઇન્ડિયા કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચાંદરડા સીમમાં ખેરપુર રોડ પર આવેલી કંપનીની દીવાલ કૂદીને તસ્કરો દ્વારા લાખો રૂપિયાના લોખંડના માલસામાનની ચોરી આચરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે નંદાસણ પોલીસે બાતમીના આધારે ત્વરિત દરોડો પાડીને ચોરીના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે ઝાડીઓમાંથી 5 આરોપીઓને ઝડપી લીધા કંપનીમાં ચોરીની ઘટના બનતાં જ નંદાસણ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન એ.હેડ.કોન્સ. વિજયસિંહ બળવંતસિંહ અને આ.પો.કો. પંકજકુમાર રાજેન્દ્રભાઇને ચોરી અંગેની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ચાંદરડા સીમ તેમજ લક્ષ્મીપુરા સીમમાં આવેલા બાવળોની ઝાડીઓમાં છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી રાહુલકુમાર કનજીજી ઠાકોર, મહોમ્મદ તારીક ગનીભાઇ ઘાંચી, કનુભાઇ ઘેમરભાઇ રાવળ, રવિભાઇ રઘુનાથભાઇ ભીલ અને આકાશ રમેશભાઇ રાવળને ઝડપી લીધા હતા. ફેબ્રિકેટેડ સ્પુલ અને રિક્ષા સહિત 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી કંપનીમાંથી ચોરેલું 630 કિલોગ્રામ વજન ધરાવતું રૂ. 1,57,500 ની કિંમતનું ફેબ્રિકેટેડ સ્પુલ (લોખંડની પાઇપો) કબજે કર્યું છે. આ ઉપરાંત ચોરીમાં વપરાયેલી રૂ. 50,000 ની કિંમતની 1 CNG રિક્ષા (નંબર GJ-02-BU-1272) તેમજ રૂ. 10,000 ની કિંમતના 2 મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 2,17,500 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 2 વોન્ટેડ આરોપીઓની શોધખોળ અને આગળની કાયદેસર તપાસ તેજ આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ ભુરાભાઇ ઉર્ફે એસ.કે. સંધાભાઇ રાવળ અને પ્રકાશ ઉર્ફે કાલી બળદેવભાઇ રાવળ હાલ નાસતા ફરતા હોવાથી પોલીસે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પી.આઇ. એન.જી. ગોહિલ અને પી.એસ.આઇ. જે.એમ. ગેહલોત સહિતના સ્ટાફ દ્વારા ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેઓ અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar