top
મહેસાણા મોઢેરા ચોકડી મર્ડર કેસ:ઇકોમાં પેસેન્જર ભરવાની તકરારમાં ચાલકની હત્યા મામલે 4 શખ્સો સામે ગુનો દાખલ
મહેસાણા શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલી જૂની અદાવતમાં ઇકો ચાલક આધેડની હત્યા કરવાના મામલામાં પોલીસે 4 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. નાગલપુર કસ્બા વિસ્તારમાં રહેતા સાબીરહુસેન ગુલામરસુલ સૈયદ નામના આધેડની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરવામાં આવેલી હત્યા અંગે મૃતકની પત્ની અનિશાબાનુએ મહેસાણા શહેર B ડિવિઝન પોલીસ મથકે 4 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પેસેન્જર બેસાડવાની જૂની તકરારમાં ફોન કરી બોલાવ્યા પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મૃતક સાબીરહુસેનને તેમના જ મામાના દીકરા સાકીરહુસેન રફીકમહમદ સૈયદ સાથે મોઢેરા ચોકડી ખાતે ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે છેલ્લા ચારેક દિવસથી સતત બોલાચાલી અને તકરાર ચાલતી હતી. સાકીરહુસેન અવારનવાર ફોન કરીને સાબીરહુસેનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. ગઈકાલે બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં સાકીરહુસેને ફરીથી ફોન કરીને સાબીરહુસેનને પતાવી દેવાની ધમકી આપી મોઢેરા ચોકડી ખાતે તાત્કાલિક મળવા બોલાવ્યા હતા. ગળા અને પાંસળીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી સાબીરહુસેન મોઢેરા ચોકડી ખાતે પહોંચતાં જ પૂર્વયોજિત કાવતરા મુજબ સાકીરહુસેન સૈયદ, યુનુસભાઈ શેરખાન બાબી, માજીદખાન ફરીદખાન બાબી અને યુનુસભાઈના ભાણાએ એકસંપ થઈ તેમના પર છરી જેવા ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ સાબીરહુસેનના ગળા તેમજ પાંસળીના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા અને ગુનો આચરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયેલા સાબીરહુસેનને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 1 આરોપી સિવિલમાં સારવાર હેઠળ, અન્યની શોધખોળ શરૂ આ સમગ્ર હત્યાકાંડ અંગે DySP મિલાપ પટેલે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, મૃતકની પત્નીની ફરિયાદના આધારે B ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના દરમિયાન થયેલી ઝપાઝપીમાં 1 આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી તે હાલ પોલીસ જાપ્તા હેઠળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જ્યારે હત્યા આચરીને ફરાર થઈ ગયેલા બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar