politics
મહિલાઓની સુરક્ષા માટે ખાસ મિશન સાયબર રક્ષિકા સ્ક્વોડ તૈયાર:સોશિયલ મીડિયા પર મહિલાઓને ફોટા-વીડિયો મોકલે તો સાયબર ક્રાઈમનો સંપર્ક કરો, 8 આરોપીની ધરપકડ
ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓ અને ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી ઓનલાઇન હેરાનગતિ (સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ, ફેક આઇડી)ને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ હેઠળ ‘Mission Cyber Rakshika’ (મિશન સાયબર રક્ષિકા) સ્ક્વોડની રચના કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં 11 ફરિયાદોના આધારે કાર્યવાહી કરીને આ સ્ક્વોડે મહિલાઓ સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. મહિલાઓની સુરક્ષા માટે સ્ક્વોડની રચના કરાઈ મિશન સાયબર રક્ષિકા સ્ક્વોડમાં 1 PI (પોલીસ ઇન્સ્પેક્ટર), 1 PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) અને 8 પોલીસ કર્મચારીઓ કાર્યરત છે. જૂન મહિનાથી અત્યાર સુધીમાં મહિલાઓના ન્યૂડ વીડિયો, અશ્લીલ ફોટા અને ધમકીઓ આપી સતામણી કરવા અંગે મળેલી 11 ફરિયાદો પર કાર્યવાહી કરી 8 આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા છે. આરોપીઓ મહિલાઓના નામે ફેક આઇડી બનાવતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ મહિલાઓના નામે ફેક આઇડી બનાવી, તેમની સાથે વાતો કરી, પર્સનલ ફોટો-વીડિયો મેળવીને તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા કે લગ્ન તોડાવવા માટે ત્રાસ આપતા હતા. 6 મહિનામાં 10 ફેક આઇડીથી 300 મહિલાઓને ટાર્ગેટ કરી આરોપી સુરેશ પુરી છેલ્લા 6 મહિનામાં 10 ફેક આઇડી બનાવી આશરે 300 મહિલાઓને ટાર્ગેટ કરી અશ્લીલ મેસેજ, ન્યૂડ ફોટો અને વીડિયો મોકલતો હતો. આરોપી કેયુર લક્કડ મહિલાઓના નામે 8 ફેક આઇડી બનાવી જાહેર પ્રોફાઇલ ધરાવતી મહિલાઓની ફ્રેન્ડ્સ લિસ્ટમાં કનેક્ટ થઈ હેરાનગતિ કરતો હતો, જ્યારે અગાઉ રાજસ્થાનથી "LoveGuru" બની મહિલાઓને છેતરતા 2 આરોપીઓ અને દિલ્હીથી યોગગુરુની ઓળખ આપી AI ના ઉપયોગ વડે મહિલાઓના ન્યૂડ ફોટો બનાવી માનસિક ત્રાસ આપતા 1 આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ કમિશનરની અપીલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મહિલાઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સલાહ અને ખાતરી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ મહિલાને અનિચ્છનીય મેસેજ, ફોટો કે વીડિયો દ્વારા પરેશાન કરવામાં આવતી હોય, તો તાત્કાલિક સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો. મિશન સાયબર રક્ષિકા સ્ક્વોડ સંપૂર્ણ ગુપ્તતા (Confidentiality) જાળવીને કામગીરી કરશે. સોશિયલ મીડિયા એકાઉન્ટના સિક્યુરિટી ફીચર્સ હંમેશા સક્રિય (Secure) રાખવા. અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ કે ફોલો રિક્વેસ્ટ સ્વીકારવી નહીં. અંગત માહિતી, ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે ક્યારેય શેર ન કરવા.
Read full article on Divya Bhaskar