politics
મલ્લિકાર્જુન ખડગેના અપમાન સામે પંચમહાલ કોંગ્રેસનો વિરોધ:કલેક્ટરને આવેદન આપી ન્યાયિક તપાસની માગ; ઉત્તરાખંડમાં દૂધ, ગંગાજળથી 'શુદ્ધિકરણ' અને હવન કરાયો હતો
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તાજેતરમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે યોજાયેલી 'વિજય શંખનાદ રૅલી'માં ઉપસ્થિત રહ્યા હતા. આ રૅલી બાદ તેમના દિલ્હી પરત ફર્યા પછી, કેટલાક લોકો અને સંગઠનો દ્વારા તે સ્થળે દૂધ અને ગંગાજળથી 'શુદ્ધિકરણ' તથા હવન કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં ગોધરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી એક વિશાળ રૅલી યોજવામાં આવી હતી. આ રૅલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં ભારતના રાષ્ટ્રપતિને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું. આવેદનપત્ર દ્વારા આ ગંભીર બનાવની તટસ્થ ન્યાયિક તપાસ કરવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને લોકશાહીના મૂલ્યોનું જતન કરવા ભારપૂર્વક માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉમેશ શાહ, મિકી જોસેફ, આબીદ શેખ, રાજેશ હડિયોલ, અલ્તાફ હયાત, જશુ પટેલ, યાકુબ બકર, જશન છકડા, જયેશ શ્રીમાળી, ફરીદ ચરખા ફરીદ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા.
Read full article on Divya Bhaskar