crime
મોડાસા કોલેજમાં થેલેસેમિયા/સિકલ સેલ સ્ક્રીનિંગ કેમ્પ:રેડ ક્રોસ સોસાયટી દ્વારા 730 વિદ્યાર્થીઓના રક્તના નમૂના લેવાયા
તા. 18/08/2026 ના રોજ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, મોડાસા ખાતે થેલેસેમિયા અને સિકલ સેલ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી - ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા અને અરવલ્લી રેડ ક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો. થેલેસેમિયા એ વારસાગત રક્તની ખામી ધરાવતો રોગ છે. આ રોગને અટકાવવા માટે જાગૃતિ લાવવી અને લગ્ન પહેલા થેલેસેમિયાની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. ઇન્ડિયન રેડ ક્રોસ - ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની કોલેજોમાં આ અંગે જાગૃતિ અને સ્ક્રીનિંગ થાય તે માટે સક્રિયપણે કાર્યરત છે. આ કેમ્પ દરમિયાન ઉપસ્થિત દરેક વિદ્યાર્થીના થેલેસેમિયા અને સિકલ સેલ સ્ક્રીનિંગના ભાગરૂપે રક્ત પરીક્ષણના નમૂના લેવામાં આવ્યા હતા. રેડ ક્રોસ અમદાવાદથી આવેલી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમિયા વિશે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 730 સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર, સ્વયંસેવકો, કોલેજના અધ્યાપકો અને સ્ટાફનો સારો સહયોગ મળ્યો હતો. આ કેમ્પનું સમાપન "થેલેસેમિયા સામે જાગૃતિ અને રક્તદાન જીવન બચાવવાનો સંકલ્પ" ના સંદેશ સાથે કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar