business
મોડાસાના ખેડૂતોનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે મોરચો:બટાકાના પ્રતિ મણ ₹300નો ભાવ માગ્યો; માંગ નહીં સંતોષાય તો વાવેતર બંધ કરવાની ચીમકી; 13 સપ્ટેમ્બરે મહાસંમેલન
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપા ખાતે બટાકા પકવતા ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેડૂત જાગૃતિ અને એકતા અભિયાન દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ અને વેપારીઓની નીતિઓ સામે અરવલ્લીના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરીને મોરચો માંડ્યો છે. કંપનીઓ દ્વારા ગેરકાયદેસર કાપ મુકાતો હોવાનો આક્ષેપ બેઠકમાં મોટી સંખ્યામાં હાજર રહેલા બટાકા ઉત્પાદક ખેડૂતોએ કંપનીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ દ્વારા પ્રતિ 100 કિલોએ 1.5 કિલોથી લઈને 2 કિલો સુધીનો ગેરકાયદેસર કાપ મૂકવામાં આવે છે. આ પ્રકારની મનસ્વી નીતિના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. મોંઘવારી વચ્ચે પ્રતિ મણ માત્ર ₹250 નો ભાવ ખેડૂતોએ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે બટાકાના બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, ડીઝલ અને મજૂરીના દરોમાં મોટો વધારો થયો છે. ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો હોવા છતાં કંપનીઓ અને વેપારીઓ ખેડૂતોને પ્રતિ મણ માત્ર ₹250 જેટલો જ ઓછો ભાવ ચૂકવે છે, જેનાથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે. ભાવ નહીં મળે તો શિયાળુ વાવેતર બહિષ્કારની ચીમકી ખેડૂતોએ એકસૂરે માગ કરી છે કે તેમને બટાકાના ઉત્પાદન સામે ઓછામાં ઓછા પ્રતિ મણ ₹300 નો ભાવ મળવો જ જોઈએ. આ સાથે ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કંપનીઓ તેમની આ વાજબી માગણીઓ નહીં સ્વીકારે, તો આગામી શિયાળુ સિઝનમાં તમામ ખેડૂતો બટાકાનું વાવેતર સંપૂર્ણપણે બંધ કરી દેશે.
Read full article on Divya Bhaskar