crime
મોરબી મચ્છુ જળ હોનારતને 47 વર્ષ પૂર્ણ:મનપા દ્વારા મૌન રેલી યોજાઈ, મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાંજલિ
મોરબીમાં 11 ઓગસ્ટ, 1979ના રોજ સર્જાયેલી મચ્છુ જળ હોનારતને આજે 47 વર્ષ પૂર્ણ થયા છે. આ ભયાનક દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની યાદમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘મચ્છુ જળ હોનારત દિન’ નિમિત્તે બપોરે 3:15 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતેથી મૌન રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલી મોરબીના વિવિધ માર્ગો પરથી પસાર થઈ મણીમંદિર ખાતે આવેલા મચ્છુ જળ હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્મારક સ્તંભ સુધી પહોંચી હતી. મૌન રેલીના પ્રારંભથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી મોરબીના નહેરુ ગેટ ખાતે 21 સાયરન વગાડવામાં આવ્યા હતા. આ સાયરનના ગુંજારવ સાથે સમગ્ર શહેરમાં 1979ની મચ્છુ જળ હોનારતની યાદો તાજી થઈ હતી. મણીમંદિર ખાતેના સ્મૃતિ સ્મારક સ્તંભ પાસે પહોંચ્યા બાદ, મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, મહાનગરપાલિકા કમિશનર, મેયર સહિતના મહાનુભાવો અને રાજકીય આગેવાનોએ સ્મૃતિ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તમામ ઉપસ્થિતોએ બે મિનિટનું મૌન પાળી મચ્છુ જળ હોનારતના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. 11 ઓગસ્ટનો આ દિવસ મોરબીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને દુઃખદ ઘટના તરીકે નોંધાયેલો છે, અને દર વર્ષે આ દિવસે દિવંગતોને યાદ કરવામાં આવે છે.
Read full article on Divya Bhaskar