top
મોરબીમાં કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી, એક બાલકિશોર ઝડપાયા; ₹80 હજારનો મુદ્દામાલ રિકવર
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આઈ.ટી.આઈ. નજીકથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ મોરબી તાલુકા પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ગુનામાં બે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાલકિશોરને ઝડપી પાડ્યા છે. ચોરીમાં ગયેલો કોપર વાયર અને રોકડ સહિત કુલ ₹80 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દુકાનમાંથી કોપર વાયર ચોરી અંગેનો ગુનો નોંધાયો હતો, જે વણશોધાયેલો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી મળેલી બાતમીના આધારે રાકેશભાઈ ભુપતભાઈ શકેરા (રહે. મફતીયાપરા, મોરબી) અને રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા (રહે. આઈ.ટી.આઈ. પાછળ, ઘુંટુ) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાલકિશોરને ઘુંટુ ગામની સીમમાં આઈ.ટી.આઈ.ની બાજુમાં ઝાડી-ઝાંખરામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરીમાં ગયેલો 80 કિલો શુદ્ધ કોપર વાયર, જેની કિંમત ₹18,000 છે, અને રોકડા ₹62,000 મળી કુલ ₹80,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ ચોરીના ગુનામાં જયેશભાઈ ઉર્ફે ભાણો ચમનભાઈ કુંઢીયા (રહે. આઈ.ટી.આઈ. પાછળ, ઘુંટુ)નું નામ ખુલ્યું છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે વધુ શોધખોળ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar