politics
મસ્કા ગામમાં દીકરીના જન્મની અનોખી ઉજવણી:ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ફૂલેકું કાઢી આપ્યો સંદેશ
માંડવી તાલુકાના મસ્કા ગામમાં દીકરીના જન્મને સમાજના ગૌરવનો પ્રસંગ બનાવી અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. 'બેટી બચાવો, બેટી પઢાવો'ના સંદેશને લોકભાગીદારી સાથે વધુ અસરકારક બનાવવાના હેતુથી 'દીકરી જન્મોત્સવ'નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નવજાત દીકરીઓનું હર્ષભેર સ્વાગત કરી સમાજમાં દીકરી પ્રત્યે સન્માન, સમાનતા અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો. આ અનોખા પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા મસ્કા ગામમાં નવજાત દીકરીના ઘરે વાજતે-ગાજતે છાબ સાથે ફૂલેકું કાઢવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે દીકરીના પરિવારના ઉંબરે આશોપાલવનું તોરણ બાંધી તેમનું સ્વાગત કરાયું. ત્યારબાદ ધારાસભ્યશ્રીએ દીકરીનું કંકુ-ચોખાથી પૂજન કરી પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન મસ્કા ગામમાં તાજેતરમાં જન્મેલી દીકરીઓને 'દીકરી વધામણા કીટ' અર્પણ કરવામાં આવી. આ કીટ દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન આપવાની સાથે પરિવારને દીકરીના ભવિષ્ય પ્રત્યે હકારાત્મક વિચારસરણી અપનાવવા પ્રેરણા અપાઈ. દીકરી જન્મે ત્યારે ઉત્સવ મનાવવો જોઈએ અને તેને શિક્ષણ, સંસ્કાર તથા સમાન તકો આપવી જોઈએ તેવો સશક્ત સામાજિક સંદેશ પણ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો. આ પ્રસંગે મસ્કા ગામના સરપંચ ઉર્મિલાબેન, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન ગોર, તાલુકા પંચાયત સદસ્ય કિર્તીભાઈ ગોર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીકરીને બચાવવાની સાથે તેને ભણાવવી, આત્મનિર્ભર બનાવવી અને જન્મથી જ ગૌરવભેર વધાવવી જરૂરી છે તેવા વિચારને કેન્દ્રમાં રાખી યોજાયેલો મસ્કાનો આ દીકરી જન્મોત્સવ સામાજિક જાગૃતિની દિશામાં પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે.
Read full article on Divya Bhaskar