top
પંચમહાલ પેરોલ સ્કવોર્ડે બે ફરાર આરોપીઓને પકડ્યા:ગોધરા પોલીસની ઝુંબેશમાં NDPS કેસનો વોન્ટેડ ઝબ્બે;13 વર્ષથી ફરાર અપહરણનો આરોપી કાંકણપુરથી ઝડપાયો
પંચમહાલ-ગોધરા પોલીસે નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ ચલાવી બે અલગ-અલગ કેસમાં સફળતા મેળવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચનાથી ચલાવાયેલી ઝુંબેશમાં SOG અને પેરોલ-ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે NDPS ના ગુનામાં વોન્ટેડ તેમજ 13 વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડી પાડ્યા છે. NDPS કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો SOG ગોધરા પોલીસને મળેલી બાતમીના આધારે ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાંથી આકાશસિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વડોદરાના ગોરવા, કરોડીયા રોડનો રહેવાસી છે. તે વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS ના ગુનામાં વોન્ટેડ હતો. તેને આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. અપહરણના કેસમાં 13 વર્ષથી ફરાર બીજી બાજુ પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડને ગુપ્ત માહિતી અને ટેકનિકલ તપાસના આધારે સફળતા મળી છે. કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી અરવિંદભાઈ રાવળ કાંકણપુર ખાતે હાજર હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કાંકણપુરથી તેને ઝડપી પાડ્યો છે. અંજાર પોલીસે આરોપીનો કબજો મેળવ્યો પકડાયેલો આરોપી મોરવા હડફના દેલોચ પટેલ ફળિયાનો રહેવાસી છે. તેની સામે અંજાર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા 13 વર્ષથી ભાગતો ફરતો હતો. આરોપી પકડાતાં અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી. અંજાર પોલીસની ટીમે ગોધરા પહોંચી આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar