crime
સારવાર દરમિયાન આધેડનું મોત:આંબલીયાસણ બજારમાં બાઈકની ટક્કરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડનું મોત, લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
મહેસાણા તાલુકાના ચલુવા ધનાપુરા ગામના અને ખેતીકામ કરતા 52 વર્ષીય આધેડ બાબુજી રામાજી ઠાકોરનું અજાણ્યા મોટરસાયકલ ચાલકની અડફેટે આવતાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. અલ્પેશ ચોકથી ઉમિયા હોસ્પિટલ વચ્ચે રસ્તો ક્રોસ કરતી વખતે સર્જાયેલા આ અકસ્માત અંગે મૃતકના પત્નીએ લાંઘણજ પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદીને તેમના પતિ બાબુજી ઠાકોરના અકસ્માત અંગે જાણ થઈ ચલુવા ધનાપુરા ગામના રહીશ અને આંબલીયાસણની ઉમિયા હોસ્પિટલમાં નોકરી કરતાં ઉર્મિલાબેન ઠાકોર ગત 25 ઓક્ટોબર 2026ના રોજ ફરજ પર હતા. આ દરમિયાન સાંજના સાતેક વાગ્યાના સુમારે ગામના ગોપાળજી ઠાકોરે હોસ્પિટલ આવીને ઉર્મિલાબેનને તેમના પતિ બાબુજી ઠાકોરના અકસ્માત અંગે જાણ કરી હતી. ફરિયાદીને તેમના પતિ રસ્તા પર બેભાન અને લોહીલુહાણ મળ્યા હતા ઉર્મિલાબેન તુરંત ઘટનાસ્થળે પહોંચતાં તેમના પતિ રસ્તા પર બેભાન અને લોહીલુહાણ હાલતમાં પડેલા મળ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બાબુજી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલી અજાણ્યા મોટરસાયકલના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આધેડે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો ઈજાગ્રસ્ત બાબુજીને 108 મારફતે સૌપ્રથમ મહેસાણા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ નાજુક સ્થિતિ જણાતાં 27 ઓક્ટોબરના રોજ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જમીન પર પટકાવવાને કારણે પગમાં ફેક્ચર અને શરીરે ગંભીર ઈજાઓ પામેલા બાબુજી ઠાકોરનું 28 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના પત્નીની અજાણ્યા બાઈકચાલક સામે ફરિયાદ બનાવ અંગે પત્ની ઉર્મિલાબેને અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા બાઈક ચાલકની શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar