top
સુરતમાં ગે ડેટિંગ એપથી મિત્રતા કેળવી સુપરવાઇઝરને બંધક બનાવ્યો:ચપ્પુ બતાવી પૈસા-મોબાઈલ લૂંટી લીધો, વરાછા પોલીસે ત્રણેય આરોપીઓને દબોચ્યા
સુરતમાં ડેટિંગ એપથી મિત્રતા કેળવી લોકોને લૂંટી લેટી ગેંગ ફરી સક્રિય થઈ છે. વરાછામાં એક કન્સ્ટ્રક્શન સાઈટના સુપરવાઇઝરને ગ્રીન્ડર ગે ડેટિંગ એપ પર ફ્રેન્ડશિપ કરી મળવા બોલાવ્યા બાદ ચપ્પુ બતાવી, માર મારી રોકડ અને મોબાઈલ લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવક માંડ-માંડ પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગ્યો હતો અને વરાછા પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. ડેટિંગ એપ પર વાતચીત કરી મળવા બોલાવ્યો વરાછામાં પરિવાર સાથે રહેતો 43 વર્ષીય યુવક એકાદ વર્ષથી ગ્રીન્ડર ગે ડેટિંગ એન્ડ ચેટ એપ વાપરતો હતો. ગત 27 ઓગસ્ટે તેની ઓળખાણ એક અજાણ્યા યુવક સાથે થઈ હતી. બપોરના સમયે મળવા માટે દબાણ કર્યું હતું. યુવકે કામ પર હોવાનું જણાવ્યું છતાં અજાણ્યા શખ્સે આગ્રહ રાખતાં તે બપોરે દોઢ વાગ્યાની આસપાસ વરાછાની ઘનશ્યામનગર સોસાયટી પાસે પહોંચ્યો હતો. 'ચોથા માળે લઈ જઈ ચપ્પુ બતાવ્યું' ત્યાં પહોંચતાં જ ચેટિંગ કરનાર આરોપી તેને મળ્યો હતો. તેના શંકાસ્પદ હાવભાવ જોઈ યુવક ત્યાંથી નીકળવા જતો હતો, પરંતુ તે શખ્સ તેને પરાણે એક મકાનના ચોથા માળે લઈ ગયો હતો. યુવક પોતાનો મોબાઈલ બહાર કાઢવા જતાં જ શખ્સે મોબાઈલ આંચકી લીધો હતો. તે દરમિયાન ત્યાં બીજો સાગરીત ચપ્પુ લઈને ધસી આવ્યો હતો. તેણે ગળા અને પેટ પર ચપ્પુ મૂકી ધમકી આપી હતી કે, તારી પાસે જે હોય તે આપી દે, આ ચપ્પુ કોઈનું સગું નહીં થાય. ગડદાપાટુનો માર મારી ₹12 હજારનો મુદ્દામાલ લૂંટ્યો લૂંટારુઓએ યુવકના ખિસ્સામાંથી પર્સ ઝૂંટવી લીધું હતું. તેમાંથી રોકડા ₹5,000 કાઢી લીધા હતા. વધુ રૂપિયા ન મળતાં બંને શખ્સોએ ઢોર માર મારી ₹7,000ની કિંમતનો રિયલમી કંપનીનો મોબાઈલ પણ પડાવી લીધો હતો. લૂંટારુઓ અન્ય વાતચીતમાં વ્યસ્ત હતા, ત્યારે યુવક નજર ચૂકવીને ભાગ્યો હતો. તે વખતે ત્રીજો શખ્સ તેને પકડવા આવ્યો હતો, પરંતુ તેનો હાથ છોડાવીને તે નીચે દોડી આવ્યો હતો. રાહદારીના ફોનથી પુત્રને બોલાવ્યો, પોલીસે ગુનો નોંધ્યો જીવ બચાવીને રોડ પર પહોંચેલા ભોગ બનનારે એક રાહદારી પાસે ફોન માંગી પુત્રને સમગ્ર હકીકત જણાવી હતી. પુત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પિતાને ઘરે લઈ ગયો હતો. બાદમાં પરિવારે હિંમત દાખવી વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ત્રણ અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય લૂંટારુઓને દબોચી લીધા આરોપી હર્ષિત ઉર્ફે લેમ્બો નાજાભાઈ સાખટ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ લૂંટ સહિતના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી જયેશ ઉર્ફે મામુ દડુભાઈ ગોહિલ, રાજ ઉર્ફે કાલુ પદમસિંગ કુશવાહા સહિત પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની તેમજ આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિને આ જ મોડસ ઓપરેન્ડીથી શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar