crime
ગોધરા ચેરિટી ભવનનો રસ્તો બંધ થતાં ટ્રસ્ટીઓની ચીમકી:કહ્યું, 'વૈકલ્પિક રસ્તો ન આપી શકો તો હેલિકોપ્ટર કે પેરાશુટ આપો, નહિતર તાળાબંધી કરવી પડશે'
પંચમહાલ જિલ્લાના જાહેર મંડળો અને ટ્રસ્ટીઓએ ગોધરા સ્થિત ચેરિટી ભવન સુધી પહોંચવા માટે વૈકલ્પિક રસ્તો ન હોવાને કારણે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે "હેલિકોપ્ટર અથવા પેરાશૂટ આપો, નહીં તો ચેરિટી ભવનને તાળાબંધી થશે" તેવી ચીમકી ઉચ્ચારી છે. ગોધરા ખાતે જાહેર ટ્રસ્ટ અને મંડળોની નોંધણી માટે આવેલ ચેરિટી ભવન સુધી પહોંચવાનો રસ્તો અરજદારોને સરળતાથી મળતો નથી. ગીચ વિસ્તારમાં આવેલું હોવાથી, જો રસ્તો મળી પણ જાય તો ભવન સુધી પહોંચવા માટે અરજદારોને પગપાળા મુશ્કેલી વેઠવી પડે છે. વર્ષ 2022થી કાર્યરત નવીન મદદનીશ ચેરિટી કમિશનર કચેરી સુધી પહોંચવાના રસ્તાને લઈને ટ્રસ્ટીઓ અને અરજદારોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ગોધરા શહેરના અસંખ્ય સોસાયટીઓના ગીચ વિસ્તારમાં આવેલા આ ચેરિટી ભવન સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો ખાનગી માલિકીના પ્લોટમાંથી પસાર થતો હતો, જેને ખાનગી માલિક દ્વારા તારની વાડ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ અરજદારો અને ટ્રસ્ટીઓને કાદવ-કીચડ તથા ખેતરના ઝાડી-ઝાંખરાવાળા રસ્તા વચ્ચેથી જોખમી રીતે પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે. મદદનીશ ચેરિટી કમિશનર (ઈનચાર્જ) ડી. જે. મેકવાનના જણાવ્યા અનુસાર, રસ્તા બાબતે ચેરિટી કમિશનર દ્વારા અનેકવાર RNB વિભાગને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે, છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. રસ્તાના પ્રશ્નને કારણે અઠવાડિયામાં ત્રણ દિવસને બદલે માત્ર એક જ દિવસ અરજદારોની કામગીરી કરી શકાય છે. RNB વિભાગ, ગોધરાના ડેપ્યુટી ઇજનેર ચિરાગ ડામોરે જણાવ્યું હતું કે, "વર્ષ 2023 દરમિયાન ચેરિટી ભવનના રસ્તાની રજૂઆત અનુસંધાને ઉપલી કક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવી હતી, પરંતુ મંજૂરી ન મળવાને કારણે રસ્તો બની શક્યો નથી."
Read full article on Divya Bhaskar