‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
Karnataka High Court Judgment: કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ લગ્ન પછી મહિલાઓના અધિકારો અને તેમની આઝાદીને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક કૌટુંબિક વિવાદની સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પત્ની ક્યાં રહેશે અને તે કેવી રીતે રહેશે, તેનો નિર્ણય પતિ ન કરી શકે. એટલું જ નહીં, પતિ પોતાની પત્ની પર ઘરનું કામ કરવા અથવા તો સાસરિયાઓની સંભાળ રાખવા માટે પણ કોઈ દબાણ લાદી શકે નહીં.
લગ્ન કોઈને કંટ્રોલ કરવાનું લાયસન્સ નથી
હાઈકોર્ટના જસ્ટિસ ચિલાકુર સમલતાની બેન્ચે આ મહિનાની શરૂઆતમાં એટલે કે 3 ઓગસ્ટ, 2026 ના રોજ આપેલા એક આદેશમાં આ મહત્વની ટિપ્પણીઓ કરી હતી. જજ સાહેબે એકદમ સ્પષ્ટ કર્યું હતું કે, લગ્ન થઈ જવાથી કોઈ પણ વ્યક્તિને તેના જીવનસાથીની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવવાનો, તેની ઈચ્છાઓને કચડવાનો, તેના પર હુકમ ચલાવવાનો કે પછી તેને પોતાના કાબૂમાં રાખવાનો કોઈ પરવાનો (લાયસન્સ) મળી જતો નથી.
કોર્ટે વધુમાં જણાવ્યું કે, જો કોઈ પણ રીતે સ્ત્રીની આઝાદીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો તે સમાનતા, માનવીય ગૌરવ અને સામાજિક ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે.
શું હતો સમગ્ર મામલો?
આ ટિપ્પણીઓ એક કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. હકીકતમાં, ફેમિલી કોર્ટે એક પુરુષને તેની પત્ની અને સગીર દીકરીના ભરણપોષણ માટે દર મહિને 9,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, તે વ્યક્તિએ આ આદેશની સામે જસ્ટિસ ચિલાકુર સમલ્થાની સિંગલ બેન્ચ સમક્ષ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
કોર્ટે પતિના દાવા સામે ઉઠાવ્યો સખત વાંધો
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, અરજદાર પતિએ પોતાની અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેની પત્ની તેની કે પછી તેના માતાપિતાની પરવાનગી લીધા વિના જ સાસરી છોડીને જતી રહી હતી. પતિના આ જ દાવા સામે કોર્ટે સખત વાંધો ઉઠાવ્યો.
જજે કડક શબ્દોમાં સવાલ કર્યો કે, કોઈ પણ પરણિત મહિલાને પોતાના જ માતા-પિતાને મળવા જવા માટે પોતાના પતિ અથવા સાસરિયાઓની રજા લેવાની જરૂર જ શું કામ પડે?
કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, અમને એ વાત જ નથી સમજાતી કે એક ભારતીય સ્ત્રીને જ્યારે પોતાની મરજીથી પોતાના પિયર જવું હોય, તેવી સામાન્ય ઈચ્છા પૂરી કરવા માટે પણ સાસરિયાના દરેક સભ્યની પરવાનગી કેમ લેવી પડે છે? કોર્ટે પોતાના આદેશમાં ચોખ્ખું લખ્યું કે, "કોઈ પણ વ્યક્તિ સ્ત્રીને ઘરનું જ કામ કરવા અને તેના માતાપિતા (સાસરિયાઓ) ની જ સંભાળ રાખવાનો આદેશ કે માંગણી ન કરી શકે. ઘરકામની જવાબદારી પુરુષ અને સ્ત્રી બંનેએ સરખે ભાગે ઉપાડવી જોઈએ."