business
ઉપસ્થિતિમાં વન વિભાગના પ્રશ્નોની સમીક્ષા બેઠક:જૂનાગઢન વોટર મેનેજમેન્ટ પર ભાર: હસનાપુર અને વિલિંગ્ડન ડેમમાંથી કાંપ દૂર કરી શહેર માટે પૂરતું પાણી સુનિશ્ચિત કરાશે,ગિરનાર પરિક્રમા-મેળાની વ્યવસ્થા અને હોમસ્ટે પ્રશ્ને યોજાય બેઠક
જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ ઊર્જા રાજ્યમંત્રી અને જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં વન અને મહેસૂલ વિભાગને સંલગ્ન વિવિધ પ્રશ્નો અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વન વિભાગ અને પંચાયત-મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સ્થાનિક કક્ષાના અનેક સંકલન પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરીને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા હસનાપુર અને વિલિંગ્ડન ડેમમાં લાંબા સમયથી ભરાયેલા કાંપને દૂર કરી જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે વન વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જળસંગ્રહ ક્ષમતા વધવાથી માત્ર નાગરિકોને પાણીની સુવિધા જ નહીં મળે, પરંતુ સમગ્ર ગિરનાર ક્ષેત્રની ઇકોસિસ્ટમ અને વન્ય પ્રાણીઓને પણ ભારે રાહત મળશે. આ ઉપરાંત ગિરનાર જંગલ વિસ્તારના ચેકડેમોમાંથી કાંપ હટાવવા તેમજ વનવિસ્તારમાંથી પસાર થતી પાઈપલાઈન અને રસ્તાઓના નિર્માણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. દર વર્ષે યોજાતા જૂનાગઢના પ્રખ્યાત મહાશિવરાત્રી મેળા અને ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ભવિષ્યનું લાંબા ગાળાનું આયોજન હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ભવનાથ તળેટી વિસ્તારમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવ્યવસ્થિત વાહન વ્યવહાર માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહાપાલિકા અને વન વિભાગ સાથે મળીને આગોતરું આયોજન કરશે. જંગલ વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ ડિઝાઇન કરેલા ટોયલેટ બ્લોકના પ્રસ્તાવ તૈયાર કરવા અને રસ્તાના રિસરફેસિંગ માટે વન વિભાગની એનઓસીના પ્રશ્નો ઉકેલવા જણાવાયું છે. સાથે જ ગિરનારના ધાર્મિક અને પ્રકૃતિ પર્યટનને વેગ આપવા સવેનિયર શોપ અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ વિકસાવવા ચર્ચા કરાઈ છે. ગિરનાર ક્ષેત્ર અને આસપાસના વિસ્તારમાં ખેડૂતો અને સ્થાનિકો દ્વારા શરૂ કરાયેલા હોમસ્ટે અંગેના પ્રશ્નો અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, વર્ષ 2015 પછી પ્રાપ્ત થયેલી અરજીઓ પર હાઈકોર્ટના નિર્દેશોના કારણે અમલ થઈ શક્યો ન હતો. આ મુદ્દે જનપ્રતિનિધિઓ અને ખેડૂતોની રજૂઆતોને ધ્યાને રાખી વન વિભાગના અધિકારીઓને હાલની સ્થિતિનો સર્વે કરવા સૂચના અપાઈ છે. આ સર્વે રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જોકે આખરી નિર્ણય નામદાર હાઈકોર્ટ પર નિર્ભર રહેશે, પરંતુ રાજ્ય સરકાર અને વન વિભાગ આ બાબતે સંપૂર્ણ હકારાત્મક અભિગમ ધરાવે છે.
Read full article on Divya Bhaskar