top
બોગસ ચેકથી તેલના ડબ્બા ખરીદતી સુરતની ગેંગ ઝડપાઈ:જલાલપોર પોલીસે બે રીઢા ગઠિયાઓને ગણતરીના દિવસોમાં પકડ્યા
જલાલપોર સહકારી ખરીદ વેચાણ સંઘ સાથે તેલના ડબ્બા ખરીદવાના બહાને બોગસ ચેક આપી છેતરપિંડી આચરનાર સુરતના બે રીઢા ગઠિયાઓને જલાલપોર પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓ ખોટા નામ ધારણ કરી વેપારીઓનો વિશ્વાસ જીતી મોટા જથ્થામાં માલસામાન મંગાવતા અને બોગસ ચેક પકડાવી ફરાર થઈ જવાની ટેવ ધરાવે છે. સંઘના મેનેજર સંજયભાઈ દેસાઈની ફરિયાદ મુજબ, 4 ઓગસ્ટે એક અજાણ્યા શખ્સે ફોન કરી સેલ્સમેનને વિશ્વાસમાં લીધો હતો. તેણે મેનેજર સાથે વાત થઈ હોવાનું કહી રિક્ષા મોકલી તિરુપતિ કપાસિયા તેલના આઠ ડબ્બા મંગાવ્યા હતા અને પેમેન્ટ પેટે ચેક આપ્યો હતો. બીજા દિવસે, 5 ઓગસ્ટે, ફરીથી એ જ રીતે ફોન કરી રાજમોતી તેલના વધુ આઠ ડબ્બા રિક્ષા મારફતે મંગાવી બીજો બોગસ ચેક પકડાવી દીધો હતો. સહકારી સંઘ દ્વારા બંને ચેક બેંકમાં જમા કરાવવામાં આવતાં તે બાઉન્સ થયા હતા. આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવ્યા હતા. આ છેતરપિંડી સ્પષ્ટ થતાં મેનેજરે જલાલપોર પોલીસ મથકે BNS-2023 ની કલમ 318(4) અને 319(2) હેઠળ ગુનો નોંધાવ્યો હતો. સુરત રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ અને નવસારી એસપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ જલાલપોર પીઆઈ એલ.જી. રાઠોડ અને પીએસઆઈ વી.પી. ચૌધરીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે સુરતના રાંદેર વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોહમદ ઇકબાલ ઇબ્રાહીમ કોઠીવાલા અને સરફરાજ મોહમદ ઉર્ફે સમીર ઇકબાલભાઇ કાસમાણીનો સમાવેશ થાય છે.
Read full article on Divya Bhaskar