top
પત્નીના જન્મદિવસે પતિએ ઝેર ગટગટાવ્યું:ત્રીજા દિવસે વિરહમાં પરિણીતાએ પણ પિયરમાં જીવન ટૂંકાવ્યું, સુરતમાં હૈયું કંપાવનારી ઘટના
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવકે આર્થિક સંકડામણથી કંટાળી પત્નીના જન્મદિવસે જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ આઘાતમાથી હજુ પરિવાર બહાર ના આવ્યો ત્યાં જ, પતિના વિરહમાં 26 વર્ષીય પરિણીતાએ પણ પિયરમાં જઈ ઝેર ગટગટાવી મોતને વહાલું કરી લીધું છે. માત્ર ત્રણ દિવસના ગાળામાં હસતા-રમતા દંપતીના અકાળે અવસાનથી બંને પરિવારોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. પત્નીના જન્મદિવસે જ પતિએ આર્થિક ભીંસમાં અંતિમ પગલું ભર્યું મૂળ ભાવનગરના શિહોર તાલુકાના નાનાસુરકા ગામના વતની અને હાલ કાપોદ્રા ઠાકોર દ્વાર પાસે આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા મેહુલ વઘાસિયા છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. દરમિયાન ગત 8મી સપ્ટેમ્બરે તેમની પત્ની તેજસ્વીનો જન્મદિવસ હતો. ખુશીના આ દિવસે જ આર્થિક ભીંસથી કંટાળેલા મેહુલે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ તેના વતન નાનાસુરકા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા'તા, વિરહ સહન ન થતાં પત્નીએ ઝેરી દવા પીધી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક તેજસ્વી અને મેહુલના લગ્ન માત્ર દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. તેજસ્વી ઘરે બેઠા બ્યુટી પાર્લરનું કામકાજ સંભાળતી હતી. પતિના અણધાર્યા મોતથી તે ઊંડા આઘાતમાં સરી પડી હતી અને પિયરે રહેવા ગઈ હતી. દરમિયાન ગઇકાલે બપોરે પુણા આઈમાતા ચોક સ્થિત સુરભી સોસાયટીમાં માતા-પિતાના ઘરે તેજસ્વીએ પણ ઝેરી દવા પી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો ઝેર પીધા બાદ હાલત લથડતાં પરિવારે તાત્કાલિક તેજસ્વીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ઝેરની અસર વધુ હોવાથી મોડી રાત્રે સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દીધો હતો. પતિના મોત બાદ ત્રીજા જ દિવસે પત્નીએ પણ અંતિમ પગલું ભરી લેતાં બંને પક્ષના સભ્યો સ્તબ્ધ થઈ ગયા છે. આ સમગ્ર મામલે પુણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar