top
સતલાસણાના ધરોઈ કંપામાં ખેતરમાં પરિવાર પર જીવલેણ હુમલો:વૃદ્ધાનું મોત અને બે ઘાયલ, અજાણ્યા શખસોના હુમલાને લઈ તપાસનો ધમધમાટ
મહેસાણાના સતલાસણા તાલુકાના ધરોઈથી ફતેપુરા રોડ પર ધરોઈ કંપામાં રાત્રિના સમયે ખેતરમાં રહેતા પરિવાર પર અજાણ્યા શખસોએ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 76 વર્ષીય વૃદ્ધા પટેલ દિવાબેન શંકરભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે 26 વર્ષીય પટેલ વિરાભાઈ શંકરભાઈ અને 58 વર્ષીય પટેલ શારદાબેન શંકરભાઈ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. જમાઈએ સાળાને ફોન કરતા ઘટનાની જાણ થઈ ઘટનાની જાણ આજે સવારે થઈ હતી. મૃતકના જમાઈ વસંતભાઈના જણાવ્યા અનુસાર, સવારે સાત વાગ્યાની આસપાસ તેમના સાળા વિરમભાઈનો ફોન આવ્યો હતો, પરંતુ તેઓ કંઈ બોલી શકાવાની સ્થિતિમાં ન હોવાથી શંકા ઉપજી હતી. આથી પરિવારમાંથી દીકરાને ખેતરે તપાસ કરવા મોકલતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. ઘટનાસ્થળે ઘરની તિજોરીના ખાના ખુલ્લી હાલતમાં મળી આવ્યા હોવાથી લૂંટના ઇરાદે હુમલો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. ધરોઈ કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અજાણ્યા શખસોએ કયા કારણોસર હુમલો કર્યો, લૂંટ ચલાવવામાં આવી છે કે કેમ અને આ ગુનામાં કેટલા લોકો સામેલ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સીમ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે ધરોઈ કંપા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકો દ્વારા આ શખસોને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar