crime
ગ્રામજનોએ ઈડર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી:વાંસડોલમાં હાઈવેના કામમાં તળાવ અને ગૌચરમાંથી ગેરકાયદેસર ખનન
ઈડરના વાંસડોલમાં નેશનલ હાઈવે 168-જી (ભિલોડા-શામળાજી બાયપાસ)ના ચાલી રહેલા કામમાં ગામના તળાવ અને ગૌચરની જમીનમાંથી મોટા પ્રમાણમાં માટીનું ખનન થઈ રહ્યું હોવા અંગે વાંસડોલના ગ્રામજનોએ સોમવારે ઈડર મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખનનને કારણે ગામના જાહેર તળાવ અને પશુઓના ચરાણ માટે ઉપયોગી ગૌચરની જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેનાથી ગામના હિતને નુકસાન પહોંચી રહ્યું છે. અગાઉ કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રી, હિંમતનગર અને ગાંધીનગરને જાણ કરવા છતાં કોઈ જવાબ ન મળતાં ગ્રામજનોએ મામલતદારનો સંપર્ક કર્યો છે. તેમણે માંગ કરી હતી કે વાંસડોલ ગામના તળાવ અને ગૌચરની જમીનમાં થયેલ માટી ખનનની સ્થળ તપાસ કરવામાં આવે અને કેટલો જથ્થો ઉપાડવામાં આવ્યો છે તેની મેટ્રિક ટન સહિતની માહિતી સરકારી અધિકારી દ્વારા માપણી કરી આપવામાં આવે. ખનન કરનાર જવાબદાર વ્યક્તિઓ કે કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોએ આ બાબત ગામના જાહેર હિત અને સરકારી મિલકતના રક્ષણ સાથે સંકળાયેલી હોવાથી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા દાદ ગુજારી હતી.
Read full article on Divya Bhaskar