crime
રાજકોટ જિલ્લામાં આપઘાતની બે ઘટના:આજીડેમ વિસ્તારમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકે ઝેર પીધું, જસદણમાં હીરા ઘસતા શ્રમિકે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું બંને પરિવારોમાં અરેરાટી
રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવાનોએ વિષપાન કરી પોતાની જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના આજીડેમ ચોકડી નજીક રહેતા યુવકે આર્થિક તંગીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે જસદણ ગામમાં હીરા ઘસવાનું કામ કરતા યુવકે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બંને બનાવો અંગે પોલીસે હોસ્પિટલ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રથમ બનાવની વિગત મુજબ રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક આવેલા અનમોલ પાર્કમાં રહેતા 39 વર્ષીય વિશાલ પ્રવિણભાઇ પંડ્યા નામના યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરેથી નીકળ્યા બાદ આર્થિક ભીંસથી કંટાળીને આજીડેમ નજીક પક્ષીઘર પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવક ઘરેથી નીકળ્યા બાદ ફોન નહીં ઉપાડતા પરિજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાંજે સાતેક વાગ્યાના સુમારે વિશાલ પક્ષીઘર પાસે બેભાન હાલતમાં મળી આવતા તુરંત 108 ને જાણ કરી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેણે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આપઘાત કરનાર વિશાલ એચ. જે. સ્ટીલ કંપનીમાં કામ કરતો હતો અને તેને સંતાનમાં 3 વર્ષ અને 14 વર્ષની પુત્રીઓ છે. પિતાની છત્રછાયા ગુમાવતા માસૂમ બાળકીઓ અને પરિવારજનોમાં ભારે કલ્પાત સર્જાયો છે. ઘટના અંગે આજીડેમ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં જસદણ ગામમાં રહેતા 30 વર્ષીય સુનિલ રવાભાઈ ગાબૂ નામના યુવકે ગઈકાલે તારીખ 11/8/26 ના રોજ સવારના 10:00 વાગ્યાની આસપાસ ઘરે કોઈ હાજર ન હતું ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. મોટાભાઈ ઘરે આવતા સુનિલે પોતે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી. આથી ભાઈએ તુરંત 108 મારફતે તેને જસદણની રામાણી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાંથી વધુ તબિયત બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક સુનિલ હીરા ઘસવાનું કામ કરતો હતો અને ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાનો હતો. ઘટનાની જાણ થતા જસદણ પોલીસે કાનૂની કાગળો કરીને તપાસ લંબાવી છે.
Read full article on Divya Bhaskar