top
ભરૂચમાં જસ્ટિસ કોગજેના અધ્યક્ષસ્થાને લીગલ મેગા કેમ્પ યોજાયો:જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીઓને સહાય અપાઈ
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રોટરી ક્લબ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ એ. વાય. કોગજેના અધ્યક્ષસ્થાને આ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લીધી સહાય વિતરણ બાદ જસ્ટિસ કોગજે તેમજ અન્ય હાજર રહેલા મહાનુભાવોએ સ્થળ પર ઊભા કરાયેલા વિવિધ સરકારી વિભાગોના પ્રદર્શન સ્ટોલ્સની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી અને યોજનાકીય માહિતી મેળવી હતી. કાર્યક્રમને સંબોધતા જસ્ટિસ એ. વાય. કોગજેએ જણાવ્યું કે, સરકાર અને સમાજના છેવાડાના માનવી વચ્ચે જો કોઈ ખાસ કડી હોય તો તે પેરા લીગલ વોલન્ટિયર્સ છે. આ વોલન્ટિયર્સ આપણા જ સમાજના યુવાનો અને અનુભવી લોકો છે, જે મુશ્કેલીના સમયે સામાન્ય નાગરિકને યોગ્ય મદદ મેળવવામાં સાચું માર્ગદર્શન આપે છે. નાગરિકો સુધી યોજનાઓના સીધા લાભ પહોંચાડવા પર ભાર જસ્ટિસ કોગજેએ વધુમાં ઉમેર્યું હતું કે NALSA અને DLSA જેવી સંસ્થાઓ પર સરકારને પૂરો વિશ્વાસ છે, જેના દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો અને સાચો લાભ છેવાડાના લાભાર્થી સુધી સરળતાથી પહોંચી રહ્યો છે. આ મેગા કેમ્પમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ, મેમ્બર સેક્રેટરી એચ.એમ. પવાર, DLSA સેક્રેટરી પી. પી. મોકાશી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર. બી. ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી અને મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ન્યાયાલય સંકુલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનૂની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ અને મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેગા કેમ્પ પૂર્ણ થયા બાદ જસ્ટિસ કોગજેએ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે મીડિયેટર, PLV અને પેનલ એડવોકેટ્સ સાથે ખાસ સમીક્ષા બેઠક યોજીને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Read full article on Divya Bhaskar