top
સમાધાન:બોટાદમાં અઢી વર્ષથી વિખૂટાં પડેલાં દંપતીનું પુનઃમિલન : દિવાળીના પર્વે ઉજાસ પાથર્યો
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) તથા બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી સંવેદનશીલ કામગીરીના પરિણામે છેલ્લા અઢી વર્ષથી એકબીજાથી વિખૂટા પડેલા દંપતીનું પુનઃમિલન કરાવી તેમના જીવનમાં સુખ અને સમાધાનનો નવો ઉજાસ લાવવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર પારિવારિક મતભેદો અને ઘરેલુ વિખવાદના કારણે છેલ્લા અઢી વર્ષથી અલગ રહેતા દંપતીના પ્રશ્નને ગંભીરતાથી લઈ બોટાદ PBSC તથા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા સમાધાનના હેતુથી કાઉન્સેલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બંને પક્ષોને રૂબરૂ સાંભળી પારિવારિક પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાઉન્સેલિંગ દરમિયાન કાઉન્સેલર રીનાબેન વ્યાસ, રિંકલબેન મકવાણા તથા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.મકવાણા દ્વારા બંને પક્ષોને સમજાવી સાથે જ પારિવારિક સંબંધોનું મહત્ત્વ, પરસ્પર વિશ્વાસ, સમજણ, સહનશીલતા અને એકબીજાની લાગણીઓનું સન્માન જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં બંને પક્ષોને જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપી સંવાદ અને કાયદાકીય માર્ગદર્શનના પરિણામે બંને પક્ષો વચ્ચેની ગેરસમજ દૂર થતાં દંપતી સ્વેચ્છાએ સમાધાન માટે સંમત થતાં ફરીથી સાથે રહી નવજીવનની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. આમ, દિવાળીના પાવન પર્વે અઢી વર્ષથી વિખૂટા પડેલા દંપતીનું પુનઃમિલન કરાવી બોટાદ PBSC તથા મહિલા પોલીસ સ્ટેશનની ટીમે સરાહનીય કામગીરી કરી છે. આ સમગ્ર કામગીરી બોટાદ પોલીસવડા ધર્મેન્દ્ર શર્મા, મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ.મન્સુરી, નાયબ પોલીસ અધિક્ષક તથા નોડલ અધિકારી એ એ સૈયદ તેમજ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી ડી.એ. ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar