crime
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સિંધુભવન રોડ પર ફટાકડાની બે દુકાનમાં ચેકિંગ: મંડપ, એક્ઝિટ ગેટમાં ખામી મળી
દિવાળીને પગલે ફટાકડાની દુકાનોમાં ફાયરબ્રિગેડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરીને ફાયર સેફટીની એડવાઇઝરી મુજબ સેફ્ટી મામલે પગલાં ભરવા આદેશ કરાયો છે. ફાયરબ્રિગેડની ટીમે બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સિંધુભવન રોડ પર બે દુકાનોમાં ચેકિંગ કરતા કેટલીક ખામીઓ જોવા મળી હતી. જ્વલનશીલ પદાર્થો દુકાનો પાસે જોવા મળતા તેને દૂર કરવા અને દુકાનમાં ફાયર સેફટી મામલે એક્ઝિટ ગેટ સહિતની બાબતોની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સાથે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે લાઇવ રિપોર્ટિંગ કર્યું હતું. મંડપ કાપડનો, ફટાકડાનાં બોક્સ પણ છત સુધી અડેલા હતા, નજીકમાં જ વાયરિંગ હતું સિંધુભવન પાસે આવેલી અંબિકા ફટાકડાની દુકાનમાં ચેકિંગ કરતાં ગેટ પર પતરાના શેડ નીચે કાપડનો મંડપ બાંધેલો જોવા મળ્યો હતો, જે નિયમથી વિરુદ્ધ હતો, ઉપરાંત દુકાનની છત સુધી અડી જાય તે રીતે ફટાકડાના બોકસ મૂકેલાં હતાં, જ્યાં નજીકમાં જ વાઇરિંગ જોવા મળ્યું હતું, જેથી શોર્ટસર્કિટ થાય તો આગ ઝડપથી પ્રસરવાની આશંકા હોવાથી ફટાકડાના બોક્સની થપ્પીની ઊંચાઈ ઓછી કરવા જણાવાયું હતું. ઉપરાંત એક્ઝિટ ગેટ પર બોક્સ મૂકેલાં હોવાથી ઇમરજન્સી વખતે દુકાનમાં રહેલા લોકોને બહાર નીકળવામાં તકલીફ પડી શકે તેમ હતું. આથી ઇમરજન્સી એક્ઝિટ ગેટ પાસે કોઈ પણ બોક્સ કે સામાન નહીં મૂકવા અને ગેટનો રસ્તો ખુલ્લો રાખવા પણ તાકીદ કરાઈ હતી. વધુ એક પ્રોગેસિવ ફટાકડાની દુકાનમાં નિયમો વિરુદ્ધ ગેટ પર કાપડનો મંડપ બાંધેલો જોવા મળ્યો હતો, જ્યારે એક્ઝિટ ગેટ પર લોખંડના સ્ટ્રકચર હોવાના કારણે તકલીફ પડે તેમ હોવાનું જણાયું હતું, જેથી તેને દૂર કરવા માટે ફાયર બ્રિગેડના અધિકારીએ દુકાન માલિકને આદેશ કર્યો હતો. આ અંગે ડિવિઝન ફાયર ઓફિસર એસ. બી. જાડેજાએ જણાવ્યું કે, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં આવેલા ફટાકડાની દુકાનોના માલિકોને ફાયર પ્રિવેન્સન એડવાઇઝરી આપી હતી. ઉપરાંત ફટાકડાની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જે ખામીઓ મળી તેમાં સુધારો કરવા તાકીદ કરાઈ છે. દિલ્હી દરવાજા ખાતે દુકાનો બહાર ખાલી પૂઠાં અને ફટાકડાનો જથ્થો મૂકેલો હતો સામાન્ય રીતે ફટાકડાની દુકાનોની બહાર ફટાકડાનો જથ્થો કે ખાલી પૂઠાં નહીં મૂકવા માટે સૂચન કરવામાં આવ્યું છે, કેમ કે આગ ફક્ત ફટાકડામાં નહીં પરંતુ તેની આસપાસમાં રહેલા જ્વલનશીલ પદાર્થોના લીધે પણ લાગી શકે છે. દિલ્હી દરવાજા પાસેની ફટાકડાની દુકાનોમાં રિયાલીટી ચેક કરવામાં આવ્યું ત્યારે કેટલીક દુકાનો બહાર ફટાકડાનો સામાન ભરેલા બોક્સ જોવા મળ્યો હતો. તો અમુક દુકાનોની બહાર ખાલી પૂઠાંનો સામાન જોવા મળ્યો હતો.
Read full article on Divya Bhaskar