crime
અકસ્માત:હારિજમાં પેટ્રોલ પંપ નજીક વાહનની ટક્કરે ખેડૂતનું મોત
હારિજ-બહુચરાજી હાઈવે પર વાઘેલ ગામ તરફ જતા રોડ પર 55 વર્ષીય ખેડૂતનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.અકસ્માત સર્જનાર વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. વાઘેલ ગામના બચુજી વિસાજી વાઘેલા (ઉં.વ.55) 1 નવેમ્બરે બપોરે ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા.આ દરમિયાન નાયરા પેટ્રોલ પંપથી વાઘેલ ગામ તરફ જતા રોડ પર કોઈ વાહનચાલકે તેમને અડફેટે લીધા હતા.અકસ્માતમાં તેમને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેમને હારિજ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. બીજી તરફ,સાંજે આશરે ચાર વાગ્યે મૃતકના પુત્ર રાજુજી ઘરે હાજર હતા ત્યારે ગામના વાઘેલ મારું સોહમણું નામના વોટ્સએપ ગ્રુપમાં એક લાશનો ફોટો આવ્યો હતો. ફોટો જોતાં જ તે પોતાના પિતાનો હોવાનું ઓળખી તેમણે પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ નાના ભાઈ ગુમાનસંગ અને અન્ય કુટુંબીજનો સાથે હારિજ સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ઇમરજન્સી રૂમમાં પિતાનો મૃતદેહ જોઈ અકસ્માતની જાણકારી મેળવી હતી. બચુજી વાઘેલા ખેતરે ઢોરને ચારો-પાણી કરાવવા રોજ આવતા-જતા હતા. બનાવના દિવસે બપોરે આશરે 1:00 થી 1:30 ની વચ્ચે ખેતરેથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું પુત્રએ ફરિયાદમાં જણાવ્યું છે.પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારને સોંપી વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar