નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
Chikhli Navsari crime news: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીંના અંબાચ ગામમાં એક કૌટુંબિક ઝઘડાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સગા પિતાએ જ પોતાના યુવાન પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો. પત્ની સાથેના ઝઘડામાં વચ્ચે પડેલા દીકરા પર પિતાએ ગુસ્સામાં આવીને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવા પડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચીખલીના અંબાચ ગામમાં રહેતા નીલેશભાઈ અને તેમની પત્ની ભારતીબેન વચ્ચે કોઈ કારણસર ઘરમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બીચક્યો કે ઉશ્કેરાયેલા નીલેશભાઈએ પોતાની જ પત્ની ભારતીબેનના પેટના ભાગે છરી વડે હુમલો કરી દીધો. માતા પર હુમલો થતો જોઈને તેમનો યુવાન પુત્ર સુરજ તરત જ વચ્ચે પડ્યો હતો. તેણે માતાને બચાવવા અને પિતાને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો. પરંતુ, ગુસ્સામાં ભાન ભૂલી ગયેલા નીલેશભાઈએ પોતાના જ દીકરા સુરજ પર છરીથી જીવલેણ હુમલો કરી દીધો. પિતાએ છાતીના ભાગે છરીનો ઊંડો ઘા મારતા સુરજ ગંભીર રીતે ઘવાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હત્યારો નીલેશભાઈ આશરે 1 મહિના પહેલાં જ પોતાની પૂર્વ પત્ની અને પુત્ર સાથે ફરીથી રહેવા માટે આવ્યો હતો. પરંતુ ઘરમાં ફરીથી કૌટુંબિક કંકાસ શરૂ થયો અને તેણે પોતાના જ હાથે પોતાના પરિવારનો માળો પીંખી નાખ્યો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભારતીબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
પોતાના જ દીકરાની હત્યા કર્યા બાદ આરોપી પિતા નીલેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ચીખલી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ ફરાર હત્યારા પિતાને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ. (P.I.) પટેલિયા ચલાવી રહ્યા છે. કળિયુગી પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાની આ ઘટનાથી અંબાચ ગામ સહિત સમગ્ર ચીખલી પંથકમાં ભારે અરેરાટી અને ચકચાર મચી જવા પામી છે. કાયદાના રક્ષકો હવે આ મામલે આગળની કડક કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર