બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
બોટાદમાં ઓનલાઈન ગેમિંગના મામલામાં ફસાયેલા કોળી સમાજના 2 યુવાનો પાસેથી સ્થાનિક પોલીસ અને જિલ્લા ભાજપના એક મોટા હોદ્દેદાર દ્વારા કથિત રીતે 1 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો સનસનીખેજ આરોપ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લગાવ્યો છે. આ ગંભીર આક્ષેપોને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ધારાસભ્યના દાવા મુજબ, યુવાનોને માત્ર ડરાવવામાં જ નહોતા આવ્યા, પરંતુ કથિત રીતે તેમને નિર્દયતાથી ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. આ સમગ્ર તોડકાંડમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ 60 લાખ રૂપિયા આંગડિયા પેઢી મારફતે પોતાના ખિસ્સામાં નાખ્યા છે, જ્યારે બાકીના 40 લાખ રૂપિયા સ્થાનિક પોલીસે લીધા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ઉમેશ મકવાણાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સમગ્ર કૌભાંડના તમામ આધાર અને જડબેસલાક પુરાવાઓ તેમની પાસે સુરક્ષિત છે. તેઓ ટૂંક સમયમાં જ આ મામલાનો મોટો પર્દાફાશ કરશે અને જવાબદાર નેતા તથા પોલીસકર્મીઓને જનતા સમક્ષ ખુલ્લા પાડશે. સોશિયલ મીડિયા પર અને લોકમુખે ચર્ચાતી વાતો મુજબ, આ તોડકાંડમાં સંડોવાયેલા કથિત રાજકીય નેતા જિલ્લા ભાજપના સૌથી વરિષ્ઠ હોદ્દેદાર છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ટિકિટ મેળવવાની અપેક્ષા પણ રાખી રહ્યા છે.