crime
સિટી એન્કર:બાજવામાં શોર્ટ સર્કિટ થતાં મકાનમાં આગ, માતાને લઈ હોસ્પિટલ ગયેલા પરિવારનો આબાદ બચાવ, રોકડા દોઢ લાખ બળીને ખાખ
બાજવાની સોસાયટીના એક ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ભયનો માહોલ છવાયો હતો. દિવાળીના સમયે જ આગ લાગતાં દોઢ લાખની રોકડ સહિત ઘરવખરી ખાખ થતાં આઘાત લાગ્યો હતો. ઘટનાને પગલે ફાયરના લાશ્કરો સહિત પોલીસના ઉચ્ચ અધિકારીનો કાફલો દોડી આવ્યો હતો. જોકે જે સમયે આગ લાગી ત્યારે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઘર માલિકની માતાને છાતીમાં દુખાવો થતાં પરિવાર તેમને હૉસ્પિટલમાં ચેકઅપ માટે લઈ ગયા હતા, જે સમયે ઘટના બની હતી. બાજવાની યોગેશ્વર સોસાયટીમાં સોમવારે બંધ ઘરમાંથી અચાનક ધુમાડો નીકળતાં સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. ધુમાડા સાથે ઘરમાં આગ લાગી હોવાથી રહીશોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવાતાં લાશ્કરો અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મકાન પ્રવીણ આહીરેનું છે. ઘરના તમામ સભ્યો હૉસ્પિટલ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં તેઓ પણ તાત્કાલિક આવી પહોંચ્યા હતા. આગને કારણે તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ બાબતે ફાયર ઓફિસર કિરણ બારિયાએ જણાવ્યું હતું કે, અમને 12 કલાકે કૉલ મળ્યો હતો. આગ પર કાબૂ મેળવીને કૂલિંગની પ્રક્રિયા કરી હતી. ઘરમાં કયા કારણોસર આગ લાગી તેની તપાસ પોલીસ દ્વારા કરાશે. બીજી બાજુ જવાહરનગર પોલીસ મથકના ઈ. પીઆઈએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટથી લાગી હોય તેવું લાગી રહ્યું છે. ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચતાં નુકસાન વધારે થયું મારાં માતાને છાતીમાં દુખાવો થતાં તેમને હૉસ્પિટલ લઈ ગયાં હતાં. ઘરના બધા લોકો સવારે 11 કલાકે નીકળ્યા અને 11:15 કલાકે આગ લાગી હતી. પાડોશીઓએ જાણ કરતાં અમે 12 વાગ્યે પરત આવ્યા હતા. જોકે ફાયરબ્રિગેડને આવતાં ખૂબ જ વાર લાગી હતી. લાશ્કરો 1:30 થી 2 વાગ્યાના અરસામાં આવ્યા હતા. જો ફાયરબ્રિગેડ સમયસર આવ્યું હોત તો ઓછું નુકસાન થયું હોત. સોનું, ઘર વખરી, ડોક્યૂમેન્ટ તેમજ શ્રમજીવીઓને આપવા માટે રાખેલા દોઢ લાખની રોકડ બળીને ખાખ થઈ છે. > પ્રવીણ આહીરે, ઘર માલિક
Read full article on Divya Bhaskar